Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ખોટા સર્ટિફિકેટ રદ નહીં થાય તો આંદોલનની ગુંજ દિલ્હી પહોચાડશુંઃ સાચા આદિવાસીઓનો રણ ટંકાર

૨૦૦૦થી વધુ આદિવાસી લોકોએ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઇ હુંકાર કર્યો

ગાંધીનગરઃ એલઆરડી પરીક્ષામાં અનુસૂચિત જનજાતિના ખોટા સર્ટિફિકેટ રદ કરવાની માગણી સાથે છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન કરી રહેલા આદિવાસીઓની  લડત આગામી દિવસોમાં દિલ્હી સુધી પહોંચે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અંદાજે ૨૦૦૦થી વધુ આદિવાસી લોકોએ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઇ હુંકાર કર્યો હતો.

 

        તેઓએ જણાવ્યું હતું કે સરકાર આ મામલે આદિવાસીઓને થતો અન્યાય દૂર નહીં કરે તો આ લડતને દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે ઉલ્લેખનીય છે કે એક તરફ ગીરના માલધારીઓ આદિવાસી સર્ટિફિકેટ ને માન્ય રાખવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે,, જયારે બીજી તરફ આદિવાસીઓ ખોટા એસટી સર્ટિફિકેટ રદ કરવા અને આ પ્રકારના સર્ટીફીકેટ ઈસ્યુ કરનાર અધિકારીઓ અને તેના આધારે નોકરી મેળવનાર કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.

 

          આદિવાસીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર ઉતર્યા છે ,જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો તેવો નિર્ધાર કર્યો છે. આદિવાસી પટ્ટામાં પણ આ આંદોલનને જોર પકડ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહેલા આદિવાસીઓને વિવિધ સંગઠનો તેમજ કેટલાક ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. જ્યારે બીજી તરફ ભીલીસ્થાન ના પ્રણેતા અને આદિવાસી નેતા સોમજીભાઈ ડામોર પણ ગઈકાલે સત્યાગ્રહ છાવણી મુલાકાત લઈ ચૂક્યા છે.. અહીંયા મુલાકાત લઇ રહેલા આદિવાસીઓને જણાવ્યું હતું કે આ મામલે કોઈ નિર્ણય નહીં લેવાય અને આદિવાસીઓને થતો અન્યાય ચાલુ રહેશે તો આંદોલનને દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે
          આજે દાહોદ પંચમહાલ વગેરે આદિવાસી જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરાંત ઝારખંડ, રાજસ્થાનમાંથી પણ કેટલાક આદિવાસીઓ- આદિવાસીના ટ્રેડિશનલ ડ્રેસમાં સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા અને આંદોલન પર ઉતરેલા આદિવાસીઓનું સમર્થન કર્યું હતું.

(8:47 am IST)