Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગાંધીનગર નજીક વહેલી સવારે રિક્ષામાં આવી બે ટોળકી ટ્રકને આંતરી લૂંટ ચલાવી રફુચક્કર

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સાથે અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ વધી રહયા છે ત્યારે શહેર નજીક વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફના રીંગરોડ ઉપર આજે વહેલી પરોઢે રીક્ષામાં આવેલા છથી સાત શખ્સોએ બે ટ્રકોને આંતરી હતી અને ચાલકોને માર મારી લૂંટ ચલાવી હતી. આ સંદર્ભે અડાલજ પોલીસે ગુનો નોંધી લૂંટારૃઓને પકડવા દોડધામ શરૃ કરી છે.   ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે. હજુ આ ઘરફોડ ચોરી કરતાં ચોર પકડાયા નથી ત્યારે અન્ય ગંભીર ગુના આચરતી ટોળકીઓ સક્રિય થઈ છે. શહેર નજીક આવેલા રીંગરોડ ઉપર આજે વહેલી પરોઢે રીક્ષામાં આવેલી લૂંટારૃ ગેંગે તરખાટ મચાવ્યો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે મુળ હરિયાણાના નિલસાદ આસીમમહંમદ મેવ તેની ટ્રક નં.એચઆર-૬૮બી-૭૧૬૮ લઈને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ રીંગરોડ ઉપર પસાર થઈ રહયો હતો તે દરમ્યાન અંડરબ્રીજ પાસે રીક્ષામાં આવેલા છથી સાત શખ્સોએ તેની ટ્રકને ઉભી રખાવી દીધી હતી. નિલસાદને નીચે ઉતારી આ લૂંટારૃઓએ તેની પાછળ રહેલા ૪૮૦૦૦ રૃપિયા લૂંટી લીધા હતા અને ઝાડીમાં લઈ જઈ માર માર્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતી અન્ય એક દૂધના ટેન્કરને પણ આ લૂંટારૃઓએ ઉભુ રાખ્યું હતુ અને તેના ચાલકને માર મારી લૂંટ ચલાવી હતી. આ લૂંટની ઘટનાને પગલે ટ્રકના બન્ને ચાલકો હેબતાઈ ગયા હતા અને ફરિયાદ કરવા માટે અડાલજ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસને સઘળી હકીકત જણાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૃ કરી હતી.

 

 

(6:34 pm IST)