Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૧૨ માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષાઃ કોઇને ઇશારો કરશો તો પણ પરીક્ષા થશે રદ્દ

વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે તેવા કડક નિયમો જાહેર કરાયા

અમદાવાદ તા. ૧૦ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્ઘારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્ઘારા પરીક્ષાને લઇને નિયમો જાહેર કર્યા છે. ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે તેવા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

જો કોઇ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરે તો તેને કયા પ્રકારની સજા કરવી તેની પણ જાહેરાત કરાઇ છે. કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તો તેની પરીક્ષા રદ કરવાના પગલા લેવામાં આવશે.

ગયા વર્ષ અનેક વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, કેલ્કયુલેટર વિથ કેમેરા સાથે ઝડપાયા હતા. જેને ધ્યાનમાં લઇને બોર્ડ મોબાઇલ કે કોઇ પણ ઇલેકટ્રોનિકસ વસ્તુ સાથે વિદ્યાર્થી ઝડપાય તો તેના માટે કડક નિયમ જાહેર કર્યા છે. એટલું જ નહીં ત્યાર પછીનાં બે વર્ષ માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.

બોર્ડના નિયમો પ્રમાણે, પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્ત્।રવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવશે. તે સિવાય વિદ્યાર્થી કે તેની સાથેનો અન્ય વિદ્યાર્થી તેની ઉત્તરવહી ફાડી નાખે તો તેનું સમગ્ર પરિણામ રદ થશે. ઉપરાંત ઉત્ત્।રવહી કે સપ્લીમેન્ટરી ચાલુ પરીક્ષાએ જો વિદ્યાર્થી પરીક્ષક કે નિરીક્ષકને આપ્યા વગર જતો રહે તો તેની પરીક્ષાનું પરિણામ રદ કરીને અન્ય એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

ઉપરાંત પરીક્ષા દરમિયાન જો કોઇ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની ઉત્તરવહી ઝૂંટવી લો તો તે વિદ્યાર્થીનું પૂરું પરિણામ રદ થશે. જો વિદ્યાર્થી પરીક્ષાખંડમા હથિયાર લઇને ઘૂસે અથવા હિંસક કૃત્ય આચરે તો તેની જે તે પરીક્ષા રદ કરી કાયમ માટે તેને એકઝામમાં બેસવા દેવામાં આવશે નહીં.

જો કોઇ વિદ્યાર્થી પેપર તપાસનારા લોકોને લાંચ આપવાના ઇરાદાથી ઉત્તરવહી સાથે પૈસા ચોંટાડે તો તેની પરીક્ષા રદ થશે. સીસીટીવી ફૂટેજમાં જો કોઇ વિદ્યાર્થી ઇશારો કરતો ઝડપાય તો તેનું જે તે વિષયનું પરિણામ રદ થશે. પરીક્ષાખંડમાં જો કોઇ વિદ્યાર્થી ઇલેકટ્રોનિકસ ગેઝેટ્સ સાથે ઝડપાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ બે વર્ષ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના આચાર્યો પાસેથી પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે પ્રકારની બાંયધરી માંગવામાં આવી છે.

(9:42 am IST)