Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ચિલોડાના ગુડા આવાસમાં તસ્કરોનો તરખાટ:બે બંધ મકાનને નિશાન બનાવી 10 હજારથી વધુની મતાની ઉઠાંતરી: ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર: ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા ખાતે આવેલી ગુડાની આવાસ યોજનામાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને બે બંધ મકાનના તાળાં તોડયા હતા. જે પૈકી એક મકાનમાંથી વિકટોરીયા છાપ ચાંદીના સિક્કા અને રોકડ મળી ૧૦ હજાર ઉપરાંતની મત્તા ચોરી લીધી હતી અને બીજા મકાન માલિક હજુ બહાર હોવાથી ચોરીનો અંદાજ આવ્યો નથી. હાલ આ મામલે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.  

 

શિયાળાની ઠંડી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે ત્યારે શહેર નજીક ચિલોડાની ગુડાની આવાસ યોજનામાં તસ્કર ટોળી ત્રાટકી હતી. આ મામલે શિહોલી મોટી ખાતે રહેતા સંજય શ્રીજય ચૌહાણે ફરીયાદ નોંધાવી હતી કે તેમનું ગુડાની આવાસ યોજનામાં સી-૩૦૪ નંબરનું મકાન છે. પાડોશીએ ફોન કરીને કહયું હતું કે તમારા મકાનના લોખંડના  અને લાકડાના દરવાજાનું લોક તુટેલું છે જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરતાં મકાનમાં સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરીમાંથી ચાર જેટલા ચાંદીના વિકટોરીયા છાપ સિક્કા તેમજ છ હજારની રોકડ મળી દસ હજારની મત્તા ચોરાઈ હતી. તો આ જ વસાહતના બ્લોક સી ના ૧૦પ નંબરના મકાનનું તાળું પણ તુટયું હોવાનું બહાર આવ્યું હતું. જો કે તેના માલિક બહાર હોવાથી મકાનમાંથી શું ચોરાયું છે તે જાણી શકાયું નથી. હાલ તો આ મામલે ચિલોડા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધેલી ચોરીની ઘટનાઓના પગલે પોલીસે પેટ્રોલીંગ પણ વધારવાની જરૃરીયાત ઉભી થઈ છે.

(5:29 pm IST)