Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ખેડા જીલ્લાના નડિયાદમાં હજારો પતંગ બનાવીને આર્થિક પરિસ્‍થિતિ સામે ઝઝુમતા કારીગરોઃ દિકરીને પરણાવવા-જરૂરિયાત સંતોષવા કે પગભર થવા માટે મોંઘવારી સામે મથતા કારીગરો

એક હજાર પતંગ બનાવે બનાવે તો 120થી 150 રૂપિયા મજૂરી એક દિવસની મળે

ખેડાઃ વેપારી વર્ગ ઉત્તરાયણના દિવસે આપણે કાગળની પતંગને ઉડાડી આનંદ મેળવીએ છીએ, તો કોઈક પતંગ પકડી આનંદ મેળવે છે . પરંતુ આ પતંગ બનાવવા પાછળ ઘણી બધી વેદનાઓનો ભાર છુપાયેલો છે . ગુજરાતમાં જ્યાં પતંગોનો વ્યવસાય ઘરે ઘરે ધમધમે છે તેવા ખેડા જિલ્લાના નડિયાદમાં હજારો પતંગ બનાવતી કારીગરો આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમી નજીવી મજૂરી પર પતંગો બનાવી ગુજરાન ચલાવે છે .

બૃહદ ખેડા જિલ્લાનું નડિયાદ અને ખંભાત વર્ષોથી પતંગ ઉત્પાદન માટે મોટામાં મોટું હબ ગણાય છે . અહીંયા હજારો કારીગરો આ વ્યવસાય થકી રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે . પતંગોના કારખાના તો દિવસ રાત ધમધમે છે પણ જે અહીંયા પતંગો બનાવવાની મજૂરી પર નભે છે તેવા લોકો આર્થિક વિટંબણાઓનો સામનો કરી સંઘર્ષ કરી રહ્યા છે.

આવા લેબર વર્ક સાથે જોડાયેલા પરિવારોની વાત કરવામાં આવે તો કોઈક પોતાની દીકરીને પરણાવવા , કોઈક પોતાની જરૂરીયાત સંતોષવા તો કોઈક પોતાને પગભર કરવા પતંગો લાવીને બનાવવાનો કોન્ટ્રાક્ટ કરતાં હોય છે . જેનું કારખાના , વેપારી વર્ગ દ્વારા તેમને મહેનતાણું પણ ચૂકવાતું હોય છે . પરંતુ તેમાં પણ કેટલાક અંશે શોષણ થતું હોવાથી આવાપરિવારોને અન્ય કોઈ આર્થિક લાભ ન થતાં પરિવારો મોંઘવારી સામે લાચાર બની ગયા છે .

હફીજખાન નાનપણથી પતંગો બનાવતાં આવ્યા છે ખેંચની બીમારીથી પીડાતો પતંગ કારીગર નડિયાદના જૂના ગાજીપુરવાડમાં રહેતા હફીજખાન જણાવે છે કે તેઓ નાનપણથી પતંગો બનાવતાં આવ્યા છે . તેઓ પોતે પોતાના પિતા સાથે આ પતંગની લેબરની કામગીરી કરી રહ્યા છે . હાલ તેઓ ખેંચની બીમારીથી પીડાઈ રહ્યા છે અને ભાડાના મકાનમાં રહી પતંગ બનાવવાની કામગીરી કરી રહ્યા છે .

તેઓ દિવસની એક હજાર જેટલી પતંગ બનાવે તો માંડ 120 અને મોટી પતંગના 150 રૂપિયા મળે છે . તેઓ પોતે બીમાર હોવાથી હાલ નડિયાદ સિવિલમાં સારવાર કરાવી રહ્યા છે . કેન્સર ગ્રસ્ત પત્ની પણ આ લેબર મજૂરીમાં જોડાઈ આ વિસ્તારમાં અન્ય એક પતંગ કારીગર ગુલામ હૈદરબેગ મીર્ઝા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ લગભગ છેલ્લા 8 વર્ષથી આ પતંગ બનાવવાની કામગીરી કરી રહ્યા છે . તેઓ પોતે સિક્યુરિટીમાં જતાં હતા પરંતુ તેમના પત્નીને કેન્સરની બીમારી હોવાથી તેઓ પતંગો બનાવી હાલ ગુજરાન ચલાવી રહ્યા છે .

દિવસની દોઢ હજાર જેટલી પતંગો બનાવે એટલે અઢીસો રૂપિયાની આસપાસ મહેનતાણું મળે છે . જો કે આ કામગીરીમાં કેન્સર ગ્રસ્ત પત્ની પણ મદદે આવી ઘરને ચલાવવા પ્રયાસ કરે છે . તેમની દીકરીઓના લગ્નનો ખર્ચ પણ આ પતંગો બનાવીને કાઢ્યો હોવાનું ગુલામહૈદરબેગ મીર્ઝાએ જણાવ્યું હતું . સરકાર તરફથી આવા પતંગ કારીગરોના ઉદ્યોગોને કોઈ સહાય કરી પગભર કરવા અને આવા વર્ગના વહારે આવે તેવું આયોજન કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓનું નિરાકરણ આવે એમ છે તેવું પતંગ કારીગરોનું માનવું છે.

સાસરે ગયેલી દીકરીઓ પિયરમાં આવી મદદ કરે છે પતંગ બનાવતાં કારીગરો પૈકી પોતાની દીકરીને સાસરે મોકલેલા પરિવારોમાં આ દીકરીઓ ઉત્તરાયણ નજીક હોય ત્યારે પોતાના સાસરેથી પિયરમાં આવી પોતાના માતા – પિતાને પતંગ બનાવવાની કામગીરીમાં મદદ કરે છે . જેના કારણે તેમને થોડા ઘણા પૈસા મળે તો પરિવારની જરૂરિયાતો સંતોષી શકાય . આમ તો આ પતંગ બનાવવાની કામગીરી માર્ચ – એપ્રિલથી શરૂ થઈ જાય છે . પરંતુ વેપારી વર્ગ વધુ માર્જીનની લાલસામાં મોડે મોડે કામ આપે છે . જેના કારણે એક રીતે જોતા લેબર વર્ગના શોષણનો વારો આવતો હોવાનું એક પતંગ બનાવતાં કારીગરે જણાવ્યું હતું.

શેર ગુલામ હૈદરબેગ મીર્ઝાના કેન્સર ગ્રસ્ત પત્ની પણ મજૂરીમાં જોડાયાં મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો બીજી બાજુ વેપારી વર્ગ જણાવે છે કે નવેમ્બર સુધી જેટલી બને તેટલી પતંગોમાં તેમનો નફો વધારે હોય છે . કારણ કે તે વખતે લેબર મજૂરી ઓછી હોય છે . ઉપરાંત ડિસેમ્બરમાં અને જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં માંગ વધતા આ મજૂરી વધી જાય છે . કારખાનાઓમાં કારીગરો મળવા મુશ્કેલ બને છે . પરંતુ ચાલુ વર્ષે આ વ્યવસાય ઉપર કુદરતે કહેર વરસાવ્યો છે . જેના કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા બે માસથી સતત કમોસમી વરસાદ અને ભેજયુક્ત વાતાવરણને કારણે આ વ્યવસાય ઉપર માઠી અસર પડી છે . નવરાત્રી અને દિવાળી પછી પણ અવારનવાર કમોસમી માવઠું થતાં પતંગોના વ્યવસાય કરતા લોકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે . તો કેટલાક કિસ્સામાં તો ભેજયુક્ત વાતાવરણ રહેતા પતંગોના કાગળનો કલર ફીક્કા પડી ગયાં તો ક્યાંક કાગળ હવાટવાળા થઈ ગયા છે.

છેલ્લા 6 વર્ષથી પતંગ ઉદ્યોગો પર ગ્રહણ છેલ્લા 6 વર્ષથી આ જ સ્થિતિમાં પતંગ ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે . વર્ષ 2016 માં નોટબંધીની અસર , વર્ષ 2017 માં GST , વર્ષ 2018-19માં વાતાવરણમાં ફેરબદલ તેમજ 2020-21માં કોરોના કાળ આમ સતત એક પછી એક આફતને કારણે પડતા પર પાટું જેવો ઘાટ આ વ્યવસાયકારો સાથે થઈ રહ્યો છે . સરકાર દ્વારા આ દિશામાં કોઈ સહાય પ્રેરે તેવુ વ્યવસાયકારો ઈચ્છી રહ્યા છે.

ચાલુ વર્ષે છેલ્લી ઘડીએ કમોસમી વરસાદને કારણે પતંગ ઉદ્યોગકારોને મોં માં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવો ઘાટ સર્જાયો છે . કોરોનાના કપરા કાળમાં પણ અનેક લોકોએ રાતોરાત અન્ય વ્યવસાય તરફ ગયા છે . જ્યારે હવે માંડ ધંધો સેટ થયો અને આખરી તબક્કામાં પતંગોનું ઉત્પાદન થઈ રહ્યું છે , ત્યારે આવા વાતાવરણને કારણે અને કોરોનાની ઉઠેલી ત્રીજી લહેરને કારણે વ્યવસાયકારોને ફટકો પડી રહ્યો છે . નોંધનીય છે કે પતંગો બનાવવા માટે કાચો માલસામાન કે જેમાં કમાન , કાગળ , સ્ટીકર , દોરો , વગેરેની જરૂર પડે છે .

આ કાચોમાલ મોટેભાગે અમદાવાદ , વડોદરા , સુરત જેવા શહેરોમાંથી જથ્થાબંધના ભાવે લાવવામાં આવે છે . નડિયાદમાં પીવીસી પતંગ ( ચરકાટ ) ની પણ બોલબાલા છે . સીએમપી કાગળ જ પતંગોમાં વપરાય છે . જ્યારે કેટલાક ચાઈનાના હલકી ગુણવત્તા વાળા કાગળો પણ વાપરે છે . નોંધનીય છે કે 27 ઇંચ સાઈઝની રેગ્યુલર પતંગો બનાવવામાં આવે છે . તો 27 ઇંચથી લઈને 10 ફૂટની પતંગો બનાવામાં આવી રહી છે .

નડિયાદમાં ગાઝીપુરવાડ , ન્યુ ગાઝીપુરવાડ , વ્હોરવાડ , પાંચહાટડી , સલુણ બજાર વગેરે વિસ્તારમાં પતંગોના કારખાના આવેલા છે . જેમાં મોટે ભાગે મુસ્લિમ પરિવાર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે . આશરે 25 ટકા લોકો અહીંયા આ વ્યવસાય ઉપર નભે છે . ઉપરાંત હિન્દુ સમાજના કેટલાક લોકો પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે .

(5:03 pm IST)