Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કાતિલ ઠંડીનો કહેર ત્રણ દિવસ જારી રહેશેઃ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર

ન્યુનતમ તાપમાનમાં ૭ ડીગ્રીનો કડાકોઃ મકરસંક્રાંતિ બાદ ફરી માવઠાની સંભાવના દર્શાવતુ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૦: ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે.

હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પુરી થશે એટલે ફરીવાર ૧૬થી ૧૮ જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો નોંધાશે.

(3:54 pm IST)