Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જીવનસાથીની શોધમાં સોશ્યલ મીડિયામાં થઇ ઓળખ :યુવકે શિક્ષિત યુવતી પાસેથી 14 લાખની ઠગાઈ આચરી

બીજા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરવા બદલ યુવકની ધરપકડ થઈ હોવાના ન્યુઝ જોયા બાદ છેતરપીંડીનો ભોગ બન્યાનું જાણ્યું:બીજી ચાર યુવતીઓ સાથે આવી રીતે છેતરપિંડી કરવા બદલ યુવકની ધરપકડ

class="ii gt" id=":2cn">
મુંબઈ : મુંબઈના કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની એક શિક્ષિત યુવતીએ જીવનસાથીની શોધમાં સોશ્યલ મીડિયા પરની એક ઍપ્લિકેશન પર નામ રજિસ્ટર કરાવ્યું હતું. એમાં એક યુવક સાથે તેની ઓળખાણ થઈ હતી, જેણે પોતે સાયન્ટિસ્ટ હોવાનું યુવતીને કહ્યું હતું. એ પછી યુવકે અલગ-અલગ લાલચ આપીને યુવતી પાસેથી પૈસા લેવાની શરૂઆત કરી હતી. એમાં ત્રણ મહિનામાં યુવતી પાસેથી તેણે ૧૪ લાખ રૂપિયા લીધા હતા. યુવતી પોતાના મોબાઇલ પર સોશ્યલ મીડિયા ઑપરેટ કરી રહી હતી ત્યારે તે જે યુવક સાથે વાત કરે છે તેની બીજા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરવા બદલ ધરપકડ થઈ હોવાના ન્યુઝ જોયા હતા. ત્યારે તેને તે પણ છેતરપિંડીનો શિકાર થઈ હોવાની જાણ થઈ હતી. 
કલ્યાણના યોગીધામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૨૮ વર્ષની પૂજા (નામ બદલ્યું છે) પુણેની એક મોટી કંપનીમાં લૅબ અસિસ્ટન્ટ તરીકે કામ કરી રહી છે. ગયા વર્ષના અંતમાં તેણે એક વેબસાઇટ પર લગ્ન માટે છોકરો જોઈતો હોવાની જાહેરાત આપી હતી. એમાં તેની નરેશ મ્હાત્રે સાથે મુલાકાત થઈ હતી. નરેશે તે એક મોટી કંપનીમાં સાયન્ટિસ્ટ હોવાની જાણકારી પૂજાને આપી હતી. બન્ને વચ્ચે વાતો થતાં તેમણે લગ્ન કરવાના વિચાર સાથે આગળ વાતો શરૂ કરી દીધી હતી. એક દિવસ નરેશે પૂજાને ફોન કર્યો અને કહ્યું કે તે પુણેમાં રૉહાઉસ બનાવી રહ્યો છે જેના માટે થોડા પૈસા ઓછા પડે છે. એમ કહીને પહેલાં તેણે ૫૦,૦૦૦ રૂપિયા લીધા હતા. એ પછી એક લાખ રૂપિયા લીધા હતા. એમ ધીમે-ધીમે કરીને તેણે ૧૪,૩૦,૦૦૦ રૂપિયા પૂજા પાસેથી લીધા હતા. એક દિવસ પૂજા પોતાનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ જોઈ રહી હતી ત્યારે તેણે નરેશનો ફોટો આરોપી તરીકે જોયો હતો. એ પછી તેણે વધુ માહિતી કઢાવતાં જાણવા મળ્યું હતું કે નરેશે બીજી ચાર યુવતીઓ સાથે આવી રીતે છેતરપિંડી કરી હતી એટલે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોતે પણ છેતરપિંડીનો શિકાર થઈ હોવાનું જાણવા મળતાં તેણે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ખડકપાડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું ‘અમે હાલમાં આઇટી ઍક્ટ અને છેતરપિંડી સંબંધી ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીની શોધ અમે કરી રહ્યા છીએ.’
 
(12:55 pm IST)