Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સાવધાન, કરફ્યુ ભંગ કરતા પહેલા આ જાણી લ્યો, પોલીસ હવે સોસાયટીઓના આંતરિક રસ્તા પર પણ ગમે ત્યારે ચેકીંગ કરશે

મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ગુજરાતભરના એસપી, પોલીસ કમિશનર ને કડક અમલવારી કરવા આદેશ અપાયા : ઓઇસોલેટેડ થયેલા લોકો ખરેખર નિયમ પાલન કરે છે કે કેમ? તેની માહિતી પણ પોલીસ મેળવી સરપ્રાઇઝ ચેકીંગ કરશે

 

રાજકોટ તા. ૧૦,  કોરોના મહામારીની ત્રીજી લહેરનું પરિણામ બીજી લહેર જેવું બની ન રહે તે માટે લોકો કરફ્યુની અમલવારી ચુસ્તતાથી કરે અને કોરોના ગાઈડ લાઇનનો કડકપણે અમલ કરવા માટે રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ગુજરાતના તમામ એસપીઓ અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે.                       

 રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના મહાનગરો સહિત જયાં રાત્રિ કર્ફ્યું અમલમાં છે તે સહિત વિવિધ જિલ્લાઓમાં વધતા કેસો અંગે ખૂબ જાગૃત એવા મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા  દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા જવાબદાર અદ્યિકારીઓ સાથે તાકીદે વિડિયો કોન્ફરન્સ યોજી આ સૂચનાઓ આપવામાં આવી છે.                       

મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કેટલાક લોકો કોરોના મહામારીના ભયાનક પરિણામો જોયા બાદ પણ બેદરકારી દાખવી પોતાનો તથા પોતાના પરિવારનોજાન જોખમમા મૂકવા સાથે અન્ય લોકોને સંક્રમિત કરે છે, આવા લોકો કરફ્યુમા પણ મુખ્ય રસ્તા બદલે સોસાયટીઓ અને આડા અને આંતરિક રસ્તાઓ દ્વારા બહાર નીકળી જતા હોવાની ચોક્કસ માહિતી આધારે હવે મુખ્ય રસ્તાઓ સાથે આંતરિક રસ્તાઓ, પેટા શેરીઓ અને સોસાયટીઓ બહાર પણ પોલિસને પેટ્રોલિંગ અને ચેકીંગ કરી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યા છે.

 જે તે વિસ્તાર અને સોસાયટીઓમાં આવેલ કેસ અંતર્ગત આઈસોલેશન નિયમનું પાલન કરવા માટે પણ આરોગ્ય કોઓડીનેટર સાથે સંપર્ક કરી આવા લોકો ખરેખર આઇસોલેટેડ છે કે કેમ ? તે બાબતે પણ ચેકીંગ સહિત વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવે છે.

(11:34 am IST)