Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હનુમાનજીને તેલ ચડાવવા મૂર્તિ પાસે નહીં જવું પડે : બટન દબાવાથી ભગવાન પર તેલ અર્પણ થઇ જાય છે : વડોદરાના એક મંદિરમાં નવી સિસ્ટમ અમલી

ભકતો દૂરથી સુરક્ષિત રીતે તેલ અર્પણ કરી શકે તે માટે વિકસાવાઇ સિસ્ટમ : ભગવાન પર તેલ ચડી ત્યારે મંદિરનું ગર્ભગૃહ આપોઆપ પ્રકાશિત થઇ જાય છે

 

વડોદરા,તા.૧૦: ભગવાનને પ્રાર્થના કરવા માગો છો, પરંતુ કોરોનાનો ચેપ લાગવાનો ડર પણ છે? તો હરણી વિસ્તારમાં આવેલા સદીઓ જૂના હનુમાન મંદિરની મુલાકાત લો જે 'સંકટ મોચન'નું પોતાનું વર્ઝન લઈને આવ્યું છે.

અહીં, શ્રી ભીડભંજન મારુતિ મંદિરના મેનેજમેન્ટે ધાર્મિક વિધિના ભાગરૂપે ભગવાન હનુમાનને દૂરથી સુરક્ષિત રીતે તેલ અર્પણ કરવા માટે એક સિસ્ટમ વિકસિત કરી છે.

'મોટાભાગના ભકતો દર શનિવારે હનુમાનજીને તેલ અર્પણ કરવા આવે છે. કેટલાક તો રોજ તેલ ચડાવે છે. પરંતુ મહામારીની વચ્ચે આ માટે મંદિરના ગર્ભગૃહની અંદર ભકતોને એકઠા કરવા તે સલાહભર્યુ નહોતુ અને સેફ્ટી ગાઈડલાઈન્સની વિરુદ્ઘમાં હતું', તેમ પૂજારી મહંત હર્ષદ ગિરી ગોસ્વામીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું.

'આ સિવાય હનુમાનજી પર તેલ ચડાવવા ઈચ્છતા ભકતોને પ્રવેશ આપવાથી ઈનકાર કરવો તે પણ શકય નહોતું. તેથી અમે એવી સિસ્ટમ વિકસાવવાનું વિચાર્યું કે જેમા લોકો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરીને તેમ કરી શકે. પાવર પર ચાલતુ ઓટોમેટિક મશીન હાલમાં મંદિરમાં ફિટ કરવામાં આવ્યુ છે', તેમ ગોસ્વામીએ કહ્યુ હતું.

ભકતએ માત્ર મંદિર પરિસરમાં ગર્ભગૃહની બહાર કેટલાક બટન દબાવવાના હોય છે. એકવાર બટન દબાવ્યા પછી, બજરંગ બલિની મૂર્તિ પર તેલ ચડાવવામાં આવે છે અને ગર્ભગૃહમાં મંત્ર ગૂંજી ઉઠે છે.

'લોકો ૫, ૧૦, ૨૦ અને ૫૦નું તેલ પણ ચડાવી શકે છે. સિસ્ટમ ખાતરી કરે છે કે ભકતો પૂજારી અને એકબીજાથી સુરક્ષિત અંતર જાળવી રાખે. ઉપરાંત તેમને તેઓ તેલ ચડાવી શકયા હોવાનો સંતોષ પણ અનુભવે છે', તેમ ગોસ્વામીએ ઉમેર્યુ હતું.

ઉપરાંત, મૂર્તિ પર જયારે તેલ ચડાવવામાં આવે છે ત્યારે ગર્ભગૃહ આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. જેથી, ભકત ભગવાનની સારી રીતે ઝલક મેળવી શકે છે. 'અમારૃં મંદિર તંત્ર, મંત્ર અને યંત્રની પ્રાચીન પદ્ઘતિને અનુસરે છે. ભકતો પણ આ વ્યવસ્થાથી ખુશ છે', તેમ તેણે ઉમેર્યુ હતું.

કોરોના પહેલા, મંદિરમાં તમામ શનિવારે લગભગ ૨ હજાર ભકતો આવતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં સંખ્યા દ્યટીને ૫૦૦ થઈ ગઈ છે.

'તે યાંત્રિક હોવા છતાં, મને કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરીને ભગવાનને તેલ અર્પણ કરવાનો સંતોષ મળે છે', તેમ દર શનિવારે મંદિરની મુલાકાત લેતા મિતેશ શાહે જણાવ્યું હતું.

(10:56 am IST)