Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કેનવાસ પર ચિત્રકામ થકી જીવનમાં રંગો ભરનાર ઉમેશભાઇ કયાડા

પ્રચલિત ચિત્ર શૈલીના ચોકઠાંઓમાં ગોઠવવાનું પસંદ કરતા નથી : તેઓ ઈચ્છામાં આવે તેમ ચિતરતા રહે છે : ડિસ્ટીંકશન સાથે ડ્રોઈંગનો ડિપ્લોમાં મેળવ્યા પછી ઉમેશભાઈ પાછું વળીને જોયું નથી એમના ચિત્રોનાં પ્રદર્શનો અમદાવાદ, વિદ્યાનગર, જૂનાગઢમાં, દિલ્હીમાં યોજાયા છે ને એક કરતાં વધારે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે : જાણીતા લેખક સ્વ. શ્રી હરિત પંડ્યા દ્વારા તેમના જીવન ઉપર એક લેખ પુસ્તક 'પારિજાતની સુવાસ'માં પ્રકાશિત કરવામાં આવ્યો છે જેને નામ અપાયું છે 'સુભગ સંયોગ'

ઘણા એવા લોકો છે જેણે કલા માટે જીવન સમર્પિત કર્યું હોય. જાણીતા ચિત્રકાર ઉમેશભાઇ કયાડા એમાંના એક છે જેમણે

આજીવન પિંછીથી કેનવાસ પર ચિત્રકામ કરી સખત પરિશ્રમ વડે જીવનમાં રંગો ભરવાનું અઘરૂ કામ પાર પાડ્યું છે. જાણીતા લેખક સ્વ. શ્રી હરિત પંડ્યા -નડિયાદ દ્વારા તેમના જીવન ઉપર આશરે પચ્ચીસેક વર્ષ પહેલાં એક મેગેઝીન ઘરશાળામા પ્રસિધ્ધ થયેલ એક લેખ ફરીથી તેમની પુસ્તક 'પારિજાતની સુવાસ'  જેનું પ્રકાશન  ZCAD Publication અમદાવાદ પ્રથમ આવૃતિ ૨૦૨૧ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે જેને નામ અપાયું છે 'સુભગ સંયોગ'.                       

લેખક સ્વ. શ્રી હરિત પંડ્યા લખે છે, ઉમેશભાઈ કયાડા તેમના પુત્ર અતુલ સાથે નોકરી કરે, એ કારણે એમને અવારનવાર મળવાનું થાય. તેમને ચિત્રકલામાં પહેલેથી ઊંડો રસ ચિત્ર દોરતા ન ફાવે પણ સારી ચિત્રકલામાં પહેલેથી ઊંડો રસ. ચિત્ર દોરતા ન ફાવે, પણ સારી કલાકૃતિ હું ભરપેટ માણી શકું. પછી તો ઉમેશભાઇ સાથે સંપર્ક વધતો ચાલ્યો. ઉમેશભાઈ કોઈ નવું ચિત્ર દોર્યું હોય એટલે હરિતભાઇને બતાવે. તેઓ ચિત્ર ને મૂલવું ને કયારેક કોઈ ફેરફાર પણ સૂચવી બેસુ. ઉમેશભાઈ વાત ધ્યાન દઈને સાંભળે ને કદીક સૂચનનો અમલેય કરે. એ અરસામાં એમણે અમદાવાદમાં એમનો વન મેન શો યોજેલો. ઉમેશભાઈએ કેન્વાસ પર કાઠિયાવાડની જોબનવંતી નાર ના નર્તન કરતા પગની કમનીયતાને કલાત્મક રીતે અંકિત કરેલી. એમના આ બધાં ચિત્રો ની વિશેષતા એ હતી કે દરેક ચિત્રમાં નારી દેહનો કમરઉપરનો શરીરનો ભાગ ગાયબ હતો ને છતાં એ ચિત્રોમાં તમને સૌરાષ્ટ્રની ધરતીની સોડમ નો અહેસાસ થાય.

આ ઉમેશભાઈ મૂળ ગામડા ના ફરજંદ. સાસણગીર પાસેના તાલાલા તાલુકાનું આકોલવાડી ગામ એમનું વતન. આકોલવાડી માં રાત્રે પડોશમાં વસતા સાવજોની ડણક સ્પષ્ટ સંભળાય. એમનો જન્મ તો વિઠ્ઠલપુર માં થયેલો. એય ગીરના જંગલથી ખાસ્સુ ઢૂંકડું. ગામમાં ચાર ધોરણની નિશાળ. પણ શિક્ષક તો માત્ર એક જ. (ધન્ય છે એ શિક્ષકને!) ઉમેશભાઈએ વિઠ્ઠલપુરની આ એક શિક્ષકી શાળામાં બે ધોરણ સુધી અભ્યાસ કરેલો, પણ ભણવા ઉપરાંત એમને બીજાં ઘણાં કામ કરવાના હતા. નિશાળેથી છૂટીને ખેતરોમાં મજૂરી કરવા જવાનું, ખેતરમાં ઉભા મોલને સફાચટ કરી જતાં પક્ષીઓને ગોફણના ઢેફે કે ખાલી ડબ્બા પર દાંડિયા ઝીંકીંને ઉડાડવાના. ખેતરમાં પાણી વાળવાનું, ઢોર ચારવાના, ઢોર માટે ઘાસનો ભારો વાઢી લાવવાનો, ખેતરમાં ભાત લઈને જવાનું. હા, આ બધું ગામના બીજા છોકરાઓની જેમ ઉમેશભાઈ પણ કરતા.      ઉમેશભાઈ કયાડા સાતેક વર્ષના થયા ત્યાં માતા દિવાળીબેને વિદાય લીધી હતી. એ પછી ઉમેશભાઈ ના પિતા વિઠ્ઠલપુર છોડીને આકોલવાડી આવીને વસ્યા. એકલે હાથે ખેતીમાં પહોંચી વળય એમ નોલૃતું તે ખેતી સમેટીને ગામમાં નાનકડી હાટડી શરૂ કરી. શાળાના સમય બાદ ઉમેશભાઈને હાટડી પર પણ બેસવું પડતું ને ગ્રાહકોને પતાવવા પડતાં. હાટડીમાં ગ્રાહક ન હોય ત્યારે ઉમેશભાઈ છાંપાની પસ્તી પરની કોરી જગ્યાએ આડા તેડા લીટા ખેંચ્યા કરતા. પિતાને કે દાદાને એમની આ હરકતો ગમે નહીં.

નવરા પડતાં ત્યારે ઉમેશભાઈ ગીરનું જંગલ ખૂંદવા નીકળી પડતા.  આકોલવાડી શાળામાં ચાર ધોરણનો અભ્યાસ પૂરો કરી પાંચમા ધોરણમાં વેરાવળ ની સ્કૂલમાં દાખલ થયા. રહેવાનું બોર્ડિંગમાં રાખેલું, પણ બોડિંગ નો ખર્ચ કયાંથી કાઢવો? તે છઠ્ઠામાં પાછી નિશાળ બદલી. આકોલવાડી થી નજીકના ગામની શાળામાં પ્રવેશ મેળવ્યો ને ગામની શાળામાં આવ-જા કરવાનું રાખ્યું. આઠમા ધોરણમાં તેમને જુનાગઢ ની શાળા માં ભણવાની તક મળી. ગુરુકુળ બોર્ડિંગમાં રહેવાનું. ત્યારે વર્ષે બોર્ડિંગનું ખર્ચ ૩૬૦ રૂપિયા આવતું. રોજના ખાવા-પીવાનું, રહેવાનું, ભણવાનું,બધું જ આવી જતું.  દરમિયાન દાદા તો કહ્યા જ કરતા. 'ઉમેશ ઘણું ભણ્યો, અને હિરા ઘસવા સુરત ભેગો કરી દેવો જોઇએ.' પણ પિતાની ઈચ્છા ખરી કે જયાં સુધી નાપાસ ન થાય ત્યાં સુધી દીકરો છો ભણતો નાપાસ થાય તે જ વર્ષે નિશાળમાંથી ઉઠાડી લેવોને સુરત ભેગો કરી દેવો. એમ તેઓ વિચારતા. ઉમેશભાઈ નાપાસ થયા વિના ભણતા રહ્યા. એમને સુરત ભેગા કરી દેવાની દાદાની ને પિતાની ઇચ્છા મનમાં જ રહી ગઈ.

જુનાગઢ ભણતા ત્યારે રજાઓમાં ઘેર આવતાની વારમાં રહી - સહી ખેતીના કામે તેઓ લાગી જતા. હવે પિતાનેય એમનું ચિત્રકામ ગમવા માંડેલું. પિતાની સલાહથી જ ઉમેશભાઈ એસ.એસ.સી.માં ચિત્રકામનો વિષય રાખેલો. જે પાસ કર્યા પછી તેમની ઈચ્છા ચિત્રકામમાં આગળ વધવાની હતી, તે અંગેની માહિતી મેળવીને એમણે વિદ્યાનગરની ફાઇન આર્ટ ફેકલ્ટી નું પ્રવેશ પત્ર ભરીને મોકલી આપ્યું. પ્રવેશ માટેના ઈન્ટરવ્યુને પંદર દિવસની વાર હોય તેઓ હીરા ઘસવાની તાલીમ મેળવવા સુરત આવ્યા. જોકે હિરા ન ઘસતા તેઓ સુરત રહી ચિત્રકામની પ્રેકિટસ કરતા રહ્યા. પંદર દિવસ પછી લેવાયેલા ઇન્ટરવ્યુ ટાણે એમને સુરતમાં કરેલ ચિત્રકામની પ્રેકિટસ સારી કામ લાગી ને તેમને સહેલાઈથી પ્રવેશ મળી ગયો, ડ્રોઈંગ અને પેઇન્ટિંગ વિભાગમાં. ચિત્રકલા શું કામ માટે એની કશી સમજ ઉમેશભાઈ ને નહીં કોઈનો માર્ગદર્શન પણ નહીં કામ કામને શિખવે એ મુજબ ભણતા ગયા તેમતેમ ચિત્રકલા વિશેની સુઝ સમજ કેળવાતી ગઈ. પહેલા બે વર્ષો તો નવા નવા મિત્રો બનાવવામાં એમની સાથેની રખડપાટમા જ પસાર થયા અને એનું પરિણામ પણ એવું જ આવેલું. પહેલા વર્ષે પરીક્ષામાં ત્રીજો વર્ગ આવ્યો, બીજા વર્ષની પરીક્ષા માં બીજો વર્ગ આવ્યો આ પરિણામોએ એમની આંખ ઉઘાડી નાખી ત્રીજા વર્ષે અભ્યાસક્રમમાં તેઓ ગંભીર થઈ ગયા અને પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્ત્।ીર્ણ થયા તથા ગ્રાફિકસ વિભાગમાં કોલેજનો એવોર્ડ પણ જીત્યા તે સાથે જ ચિત્રકલામાં નામ કમાવાની મહત્વકાંક્ષા પાંગરી અને એ ગુજરાતના જાણીતા કલાકાર બનવાના સ્વપ્ન સેવતા તેઓ થઈ ગયા. છેલ્લા વર્ષમાં તો ઉમેશભાઈ એમનું સ્વપ્ન સાકાર કરવા ગજબની તપશ્યર્યા આદરી હતી. બિનજરૂરી ખર્ચા પણ બંધ કરી પૈસા બચાવવા એક ટંક ખાવાનું રાખ્યું જેમાં બે-ચાર સમોસાં ખાઈ ને ઉપર ચાનો પ્યાલો ગટગટાવી લેતા. બાકી બચેલા પૈસામાંથી રંગોને અને કેન્વાસ ને ડ્રોઈંગ પેપર ખરીદતા.!

આચાર્ય પાસે ને રાત્રે કોલેજમાં સૂઈ રહેવાની પરવાનગી લઇ રાતના ત્રણ ચાર વાગ્યા સુધી ચીતર્યા કરે. બસ ચીતર્યા જ કરે. આ વર્ષ દરમિયાન મિત્રો સાથેની રખડપાટ ને ગપસપ પર પણ એમણે પ્રતિબંધ મૂકી દીધેલો. તેઓ છેલ્લા વર્ષમાં ડિસ્ટિંકશન સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, ત્યારે ધ્યેય સિધ્ધ કર્યાનો અલૌકિક આનંદ એમના હૈયે ઉભરાઈ રહેલો. આ છેલ્લા વર્ષ દરમિયાન ઉમેશભાઈ એમના એક સહાધ્યાયિનીના સહકારમાં અમદાવાદમાં પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજેલુ. ચિત્રકલાના જાણકારોએ તેમની કૃતિઓને મુકતકંઠે વખાણેલી.

પરીક્ષા પછી પરિણામ પરિણામ પહેલા કમાઈ લેવાના હેતુથી ઉમેશભાઈ મુંબઈ ઉપડી ગયા ને એક કોમર્શિયલ એજન્સીમાં કામે લાગી ગયા. ત્યાં તેઓ કોમર્શિયલ ડિઝાઇનો બનાવી થોડું ઘણું કમાતા, તથા નવરાશના સમયમાં આર્ટ ગેલેરીઓની મુલાકાત લેતા રહેતાં. પરિણામ ને દિવસે ઉમેશભાઈ મુંબઈથી વિદ્યાનગર આવી પહોંચ્યા ત્યારે વિદ્યાનગરથી સાસણ પહોંચાય એટલા જ પૈસા ખિસ્સામાં બાકી બચ્યા હતા. એક અંતરદેશી પત્ર લખીને ટપાલમાં નાખતાં. ભેગા પહેલા બાકી બચેલા પૈસા ટપાલમાં પેટીમાં જઈ પડ્યા. એક મિત્ર પાસેથી ઉછીના લઇને આકોલવાડી આવવા નીકળ્યા ત્યારે વિશેષ યોગ્યતા સાથે ડિપ્લોમા ઇન પેઇન્ટિંગની પરીક્ષા પાસ કર્યાનો ઉમંગ હૈયામાં ઠાંસો ઠાંસ ભર્યો હતો, બાકી ખિસ્સાભેગું પેટ પણ સદંતર ખાલી હતું. એમાં વળી તાવથી હેરાનગતિમાં વધારો થયેલો. ગમે તેમ કરી વતન પહોંચ્યા.

ડિસ્ટીંકશન સાથે ડ્રોઈંગનો ડિપ્લોમાં મેળવ્યા પછી ઉમેશભાઈ પાછું વળીને જોયું નથી એમણે એમના ચિત્રોનાં ચાર પ્રદર્શનો અમદાવાદમાં, બે પ્રદર્શન વિદ્યાનગરમાં, એક જૂનાગઢમાં અને એક દિલ્હીમાં સુદ્ઘાં કર્યા છે ને એક કરતાં વધારે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. એમાં રાયપુરની મહાકૌશલ્ય કલાપરિષદનાં બે, ગુજરાતની લલિત કલા અકાદમીનું તથા અમદાવાદની સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંસ્થાનું એક ખાસ ઉલ્લેખનિય છે. ઉમેશભાઈ કોઈ પણ પ્રચલિત ચિત્ર શૈલી ના ચોકઠાંઓમાં ગોઠવવાનું પસંદ કરતા નથી. તેઓ ઈચ્છામાં આવે તેમ ચિતરતા રહે છે. કયારેક તેઓ કયૂબ, પોઇન્ટ સ્ટ્રોકનો ઉપયોગ કરીને ચિત્ર નું નિર્માણ કરે છે, પણ તેઓ કયૂબીઝમ, પોઈન્ટિઝમ, સ્ટ્રોકીઝમને, વરેલા નથી. એમના ચિત્રોના વિષયોની પસંદગી જેટલી જ એમના રંગોની પસંદગી હિંમત ભરી હોય છે. બીજાંને પોતાનું ચિત્ર કેવું લાગશે એની લગીરે પરવા કર્યા વિના તેઓ નિજાનંદ ખાતર કરતા રહે છે ને છતાં એમનાં ચિત્રોના પ્રશંસકોની સંખ્યા ઓછી નથી. કલાકાર તરીકેની તેમની વિશિષ્ટતા એ છે કે તેઓ કેનવાસ અને રંગો વચ્ચે પીંછીને સુદ્ઘાં આવવા દેતા નથી. રંગોને ટ્યુબમાંથી સીધા તેઓ કેનવાસ પર ઉતારે છે અને પીંછીની મદદ વિના કલાકૃતિનું સર્જન કરતા રહે છે. સ્વભાવે ઉમેશભાઈ સાવ અલગારી. ચહેરા પર બાળકની નિર્દોષતા, નિખાલસતા તરવરે. એમની આતિથ્ય ભાવના અસલ કાઠિયાવાડની. જમવામાં ભેગા મહેમાન હોય ત્યારે ભોજનમાં એમને ઓર મીઠાશ વરતાય. સાંજે લગીર લટાર મારવા નીકળ્યા હોય ને કોઈ મહેમાન ભટકાઈ જાય તો બીજાને ત્યાં જવા નીકળેલાને ય સમ દઈ ને ઘેર બોલાવી લાવે એવા. પરિવાર, મિત્રો માટે બધી રીતે ઘસાઈ છૂટવાની ઉમેશભાઈ કયાડા ની તૈયારી. શિક્ષકની નોકરીના પગારમાં પોતાની ગૃહસ્થી એ સુપેરે ચલાવે છે, ઉપરાંત બે બહેનોનેય પોતાની સાથે રાખીને ભણાવે છે, ને અભ્યાસમાં પોતાને પડી એવી મુશ્કેલી બહેનોને ન પડે એની પૂરી કાળજી રાખે છે. પૈસાની ખેંચ ખરી પણ એમના ઘરમાં કશાની કમી ન વરતાય. ખિસ્સું ખાલી હોય પણ દિલ સદાય ભર્યું-ભર્યું. ખેડા જિલ્લામાં પાંચેક વર્ષથી સ્થિર થયા છતાં ઉમેશભાઈએ એમની ગ્રામીણ જીવન શૈલીની યથાવત્ જાળવી રાખી છે. ઉમેશભાઈ કયાડા હાલ ખેડા જિલ્લાની એક સારી ગણાતી શિક્ષણ સંસ્થામાં ચિત્ર શિક્ષક તરીકેની સેવાઓ આપી રહ્યા છે. તેમના વિદ્યાર્થીઓ પણ જુદી જુદી ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લઈ ને ઈનામો મેળવે છે ને પોતાના ભેગા એમના ગુરુને ને એમની સંસ્થાને ગૌરવાન્વિત કરતા રહે છે.

(પુસ્તક 'પારિજાતની સુવાસ' સાભાર)

(10:29 am IST)