Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જીજાજીએ સાળા માટે બનાવ્યો LRDનો બોગસ કોલ લેટર

ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી ખૂલી પોલ : અધિકારીની સતર્કતા-પોલીસ ભરતી બોર્ડની પારદર્શકતાને કારણે બોગસ કોલ લેટર સાથે સંદીપ ઝડપાઈ ગયો હતો

પંચમહાલ, તા.૯ : રાજ્યમાં ચાલી રહેલ સરકારી ભરતીઓમાં એક પછી એક કૌભાંડો અને ગેરરીતિઓ સામે આવી રહી છે. આવામાં એલઆરડી પરીક્ષામાં બોગસ કોલ લેટર અને બનાવટી ઉમેદવારનો પંચમહાલથી પર્દાફાશ થયો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરેલા બોગસ કોલ લેટરનો શુ છે મામલો જોઈએ.

રાજ્યમાં ચાલી રહેલ એલ.આર.ડી પોલીસ ભરતીમાં હજારો યુવક યુવતીઓ કસોટીમાં ખરા ઉતારવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે અને પોલીસ ભરતી બોર્ડ પણ આ પરીક્ષા પ્રક્રિયાને પારદર્શક બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આવામાં પંચમહાલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલ શારીરિક કસોટી અને માપની પ્રક્રિયામાં એક ઉમેદવાર બોગસ કોલ લેટર સાથે ઝડપાયો હતો. બોગસ ઉમેદવારની પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી હતી.

ગત ૭ જાન્યુઆરીના રોજ સામાન્ય ઉમેદવારોની જેમ જ ધોળકાનો યુવાન સંદીપકુમાર જયચંદ ઠાકોર ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પોલીસ ભરતીમાં ભાગ લેવા આવ્યો હતો. તે ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા પોતાના કોલ લેટર સાથે લાઇનમાં ઉભો હતો. સ્થળ પરના અધિકારી તમામ ઉમેદવારોને કોલ લેટર ચેક કરી ગ્રાઉન્ડમાં પ્રવેશ આપી રહ્યા હતાં. દરમ્યાન સંદીપ ઠાકોરનો પણ નંબર આવ્યો. સ્થળ પરના અધિકારીએ સંદીપ ઠાકોરનો કોલ લેટર જોતા જ શંકા ઉપજી હતી. જે અંગે વધુ તપાસ માટે ઉપરી અધિકારીને જાણ કરતા તેમને પણ સ્થળ પર આવી કોલ લેટર ચેક કર્યો હતો. જેનો કન્ફર્મેશન નંબર અને બેઠક નંબર ઓનલાઇન ચેક કરતા કોલ લેટર બોગસ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બોગસ ઉમેદવારની પૂછપરછમાં સામે આવ્યુ હતું કે, ખેડા જિલ્લાના પણસોલી ખાતે રહેતા રિતેશ ચૌહાણે ધોળકા ખાતે રહેતા પોતાના સાળા સંદીપ ઠાકોર માટે ખોટો કોલ લેટર બનાવ્યો હતો. ખેડાના જ ભગાપુરા સારસા ગામના એલઆરડી પરીક્ષાના ઉમેદવાર રોહિત વિનુભાઈ પરમારના કોલલેટરનો કન્ફર્મેશન નંબર ૯૨૧૪૦૫૧૯ હતો અને બેઠક નંબર ૨૦૨૦૬૦૧૩ હતો, તે કોલ લેટર આરોપી રિતેશ ચૌહાણે યેનકેન પ્રકારે મેળવી લીધો હતો. તેના પર પોતાના સાળા સંદીપનું નામ લખી બેઠક નંબર સુધારી ૨૦૨૦૧૩૬૦ કરીને ખોટો કોલ લેટર બનાવ્યો હતો અને સંદીપને ગોધરા ખાતે ભરતી માટે મોકલી આપ્યો હતો. આરોપી રિતેશ બોગસ ઉમેદવાર સંદીપનો બનેવી થતો હોઈ વિશ્વાસથી કોલ લેટર સાથે સંદીપ ગોધરા ખાતે ભરતીમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યો હતો. જ્યાં સ્થળ અધિકારીની સતર્કતા અને પોલીસ ભરતી બોર્ડની પારદર્શકતાને કારણે બોગસ કોલ લેટર સાથે સંદીપ ઝડપાઈ ગયો હતો.

(7:52 pm IST)