Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સ્કૂલ બોર્ડનું ૬૯૮ કરોડનું બજેટ સભામાં મંજૂર કરાયું

૧૦.૪૧ કરોડના વધારા સાથે બજેટ રજૂ કરાયું : અમદાવાદ શહેરમાં દસ હાઇટેક શાળા, ૨૫ નવી સ્માર્ટ શાળા બનશે : તમામ મ્યુનિ શાળાઓને આધુનિક બનાવાશે

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની આજરોજ મળેલી સામાન્ય સભામાં સ્કૂલ બોર્ડનું રૂ.૬૮૭ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઇ દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડના સભ્યોની દરખાસ્ત અને ટેકાથી રૂ.દસ કરોડ, ૪૧ લાખ, ૩૦ હજારનો વધારો સૂચવવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ૨૦૨૦-૨૧ માટેનું રૂ.૬૯૮ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, બજેટમાં દસ  કરોડના વધારાને લઇ સ્કૂલ બોર્ડના સભ્યો ઇલિયાસ કુરેશી, નાગજીભાઇ દેસાઇ, ગણપત પરમાર દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો અને તેમના સૂચનો સાંભળવામાં નહી આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. જો કે, વિપક્ષના વિરોધ અને આક્ષેપ વચ્ચે સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે રૂ.૬૯૮ કરોડનું સ્કૂલ બોર્ડનું ૨૦૨૦-૨૧ માટેનું બજેટ મંજૂર કરી દીધુ હતું. આગામી વર્ષ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારમાં નવી દસ જેટલી હાઇટેક મ્યુનિસિપલ શાળા જયારે શહેરના તમામ સાત ઝોનમાં ૨૫ જેટલી નવી સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવનાર છે.

                આ સાથે શહેરની  મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ શાળાઓને અત્યાધુનિક માઇક સીસ્ટમ(સ્પીકર સાથે) સજજ્ કરાશે. તો, મ્યુનિસિપલ શાળાઓની એક આગવી ઓળખ ઉભી કરવા તમામ મ્યુનિસિપલ શાળાઓને યુનિવર્સલ કલર કરવામાં આવશે. તો, મ્યુનિસિપલ શાળાઓમાં મધ્યાહ્ન ભોજન શેડ બનાવવામાં આવશે. તદુપરાંત, ચાલુ વર્ષે ૧૦૦ જેટલી શાળાઓમાં પૂર્વ પ્રાથમિક વર્ગો શરૂ કરવામાં આવશે. આજરોજ મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર અને વાઇસ ચેરપર્સન શ્રીમતી સવિતાબહેન શ્રીમાળીની હાજરીમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું રૂ.૬૮૭ કરોડ, ૫૮ લાખ, ૭૦ હજારનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેથી સ્કૂલ બોર્ડના સભ્યોની દરખાસ્ત અને ટેકાથી વર્ષ ૨૦૨૦-૨૧નું  રૂ.દસ કરોડ, ૪૧ લાખ, ૩૦ હજરાના વધારા સાથે કુલ રૂ.૬૯૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શહેરમાં નવી ૫૫ સ્કૂલો કે જેમાં ૧૦ હાઇટેક, ૨૫ સ્માર્ટ અને ૨૦ નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરાયું છે. આ સિવાય જિલ્લા પંચાયત હસ્તકની ૧૦૯ શાળાઓના હસ્તાંતરણની યોજનાની સાથેસાથે કર્મચારીઓના પગાર પેટે ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.

          બાદમાં, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ૬૯૮ કરોડનું બજેટ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે મંજૂર કર્યું હતું. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ રૂ.૬૮૭ કરોડ ૫૮ લાખ ૭૦ હજારનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું જેમાં ચેરમેને રૂપિયા ૧૦ કરોડ ૪૧ લાખ ૩૦ હજારના વધારા સાથે તેમજ ગત વર્ષ કરતા રૂપિયા ૨૫ કરોડ વધુ એટલે કે કુલ રૂપિયા ૬૯૮ કરોડનું બજેટ મંજૂર કર્યું  હતુ. સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડની ૩૮૭ શાળાઓમાં ૬ માધ્યમમાં ૧,૨૨,૭૮૯ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ૧.૪૫ જેટલો ઘટ્યો છે. બજેટ રજૂ કરતી મેયર બીજલબેન પટેલે બજેટમાં વિપક્ષ તરફથી કોઈ સૂચન ન આવ્યું હોવાનું જણાવી બજેટ સર્વાનુમતે પસાર થયાનું જણાવ્યું હતું. જો કે, વિપક્ષના સભ્યોએ દાવો કર્યો હતો કે, ચેરમેન ખોટું બોલી રહ્યા છે. ઇલીયાસ કુરેશીએ જણાવ્યું હતું કે, અમારા સૂચનો સાંભળવામાં આવ્યા નથી.

           છેલ્લા પાંચ  વર્ષમાં ૭૦ સ્કૂલો ઘટી છે અને આશરે ૨૦ હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. માત્ર કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર આપવાથી સ્માર્ટ સ્કૂલ ના બને. સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સવારે ૪-૩૦ બનતું ભોજન બાળકોને બપોરે ૧૨-૦૦ વાગ્યે આપવામાં આવે છે અને બાળકોને સારું જમવાનું ના મળતા તેઓ કુપોષણના શિકાર થઈ રહ્યા છે. હાલ તો વિપક્ષના સૂચનો સાંભળ્યા વિના કે તેને ધ્યાને લીધા વિના વિપક્ષના આક્ષેપ તેમજ વિરોધ વચ્ચે સ્કૂલ બોર્ડના ચેરમેને રૂપિયા ૬૯૮ કરોડનું બજેટ મંજૂર કરી દીધું છે. આ બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિ ભવન માટે ગત વર્ષે રૂપિયા ૧૨ કરોડની ફાળવણીની જોગવાઈ બાદ વર્ષ ૨૦૨૦-૨૧માં ફરી એકવાર ચાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

(9:25 pm IST)