Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વિશ્વની સૌથી અઘરી અલ્ટ્રા-સાયકલિંગ રેસમાં અમદાવાદમાં વિવેક શાહ ક્વોલિફાઈડ : 4800 કી,મી,ની રેસ 12 દિવસમાં પૂર્ણ કમર કસી

આ રેસ પૂરી કરી શકશે તો એકમાત્ર ગુજરાતી અને ચોથા ભારતીય તરીકે ઈતિહાસ સર્જશે

અમદાવાદ,તા. ૧૦ : વિશ્વની સૌથી અઘરી અલ્ટ્રા-સાયક્લિંગ રેસ ગણાતી રેમ (રેસ અક્રોસ અમેરિકા) ૨૦૨૦ માટે અમદાવાદના ૩૮ વર્ષીય વિવેક શાહે ક્વોલિફાઈ કર્યું છે. વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ એવા વિવેક જૂન, ૨૦૨૦માં ૪૮૦૦ કિમીની આ રેસ ૧૨ દિવસમાં પૂરી કરવાનો પડકાર ઝીલવા કમર કસી રહ્યા છે. જો તેઓ આ રેસ પૂરી કરી શકશે તો રેમની તવારીખમાં એકમાત્ર ગુજરાતી અને ચોથા ભારતીય તરીકે ઈતિહાસ સર્જશે. તમામ ગુજરાતીઓ માટે આ બહુ મોટા ગૌરવની વાત છે. આ અનોખી સિદ્ધિ અંગે વિવેક શાહે જણાવ્યું હતું કે, રેસ અક્રોસ અમેરિકા એ વિશ્વભરમાં યોજાતી સૌથી લાંબી અને સૌથી અઘરી ટાઈમ ટ્રાવેલ અલ્ટ્રા-સાઈક્લિંગ રેસ છે. દર વર્ષે ૩૫થી વધુ દેશોમાંથી સેંકડો સ્પર્ધકો તેમાં ભાગ લે છે પરંતુ જૂજ લોકો જ તેમાં ક્વોલિફાઈ થાય છે.

            ૩૭ વર્ષના રેસના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ જ ભારતીયો તેને પૂરી કરી શક્યા છે. તાજેતરમાં ગોવા ખાતે રેમની ક્વોલિફાઈંગ રેસમાં હું ૬૦૦ કિમીનું અંતર નિર્ધારિત ૩૦ કલાકના બદલે ૨૯ કલાકમાં પૂરું કરીને ક્વોલિફાઈ થયો હતો. હવે જૂન, ૨૦૨૦ની યોજાનારી રેસ પૂરી કરીને સૌપ્રથમ ગુજરાતી તરીકે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કરવાનું મારું ધ્યેય છે. રેસ અક્રોસ અમેરિકા માટે વિવેક ફિટનેસ, સહનશક્તિ, યોગ્ય ડાયેટ, મજબૂત મનોબળ અને પ્રતિબદ્ધતા જેવી અનેક બાબતો પર આકરી મહેનત કરી રહ્યા છે.

           ચાલુ વર્ષે રેમ માટે માત્ર ત્રણ જ ભારતીયો પસંદ પામ્યા છે. એક છે બેંગ્લોરના ભરત પન્નુ, મુંબઈના કબીર રાયચૂરે અને ત્રીજા છે અમદાવાદના વિવેક શાહ. ૧૯૮૨ની સાલથી શરૂ થઈને આજ દિન સુધી એમ ૩૭ વર્ષથી યોજાતી આ રેસ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમના દરિયાકાંઠેથી શરુ થઈને ઉત્તર-પૂર્વના કાંઠે પૂરી થાય છે. આ રેસનો રસ્તો (રૂટ) ૧૨ રાજ્યોમાં થઇ, સિએરા, રોકી તથા આલાપચીયન પર્વતમાળાઓની કુલ ૧,૭૨,૦૦૦ ફીટ ઊંચાઈને આંબી, અમેરિકાની લાંબામાં લાંબી કોલોરાડો, મિસિસિપી, મિસૂરી તથા ઓહાયો નદીઓ પરથી તથા રણનાં મેદાનોમાંથી પસાર થાય છે. તેમાં ૩,૦૦૦ માઈલ એટલે કે ૪,૮૦૦ કિમીનું અંતર ૧૨ દિવસમાં પૂરું કરવાનું હોય છે. એટલે સરેરાશ રોજના ૨૪ કલાકમાં ૪૦૦ કિમીનું અંતર કાપવાનું થાય જેમાં સાઇકલ ચલાવવાની, ખાવા-પીવાનું, આરામ કરવાનો, સૂવાનો એમ બધો જ સમય સાયક્લિસ્ટે મેનેજ કરવાનો હોય છે.

(9:23 pm IST)