Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

માં અંબાના પ્રાગટ્યદિવસે લાખો માઈભક્તો ઉમટ્યા

મહાઆરતી બાદ અંબાજીની ભવ્ય શોભાયાત્રા : ચાચર ચોકમાં શાકોત્સવ તેમજ છપ્પનભોગનો અન્નકૂટ ધરાવાયો : બે લાખથી વધુ શ્રદ્ધાળુ મહોત્સવમાં ઉમટયા

અમદાવાદ, તા.૧૦ : આજે પોષ સુદ પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માંઇ ભકિતનો માહોલ છવાયો હતો. આજે વહેલી સવારે આઠ વાગ્યે ગબ્બર તળેટીથી માં અંબાની જ્યોત અંબાજી મંદિર લાવવામાં આવી હતી. સવારે સાડા આઠ વાગ્યે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ૧૦-૦૦ વાગે અંબાજીના શક્તિદ્વારથી મહાઆરતી બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે અંબાજી શહેરના તમામ માર્ગો પર ફરી સાંજે નીજ મંદિરે પરત ફરી હતી. અંદાજે બે લાખથી વધુ માઇભકતો માં અંબાના પ્રાગટ્ય મહોત્સવમાં ભાગ લેવા ઉમટયા હતા. ગઇકાલે સાંજથી જ ચાચરચોકમાં મા અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત થઇ હતી. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી મા અંબાના ચાચરચોકમાં ગામની શાળાઓના બે દિવસીય સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

                     આજે શુક્રવારે સવારે ગ્રામજનો અને ગબ્બર ઉપર ધજા ચડાવીને માની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈને જ્યોતિ યાત્રા તરીકે ઓળખાતી યાત્રા ગબ્બરથી અંબાજી આવી હતી. આપેશ્વર મહાદેવ મંદિર ખાતે માઈભક્તો દ્વારા જયોત જાત્રા ઢોલ વગાડી સ્વાગત બાદ નિજ મંદિરે આવ્યા બાદ મા અંબાની મૂર્તિની પૂજા વિધિ કરી શક્તિદ્વાર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. માતાજીના અસ્ત્ર અને આયુધો સાથે ઢોલ નગારા સાથે મા અંબા ગજરાજ પર આરૂઢ થઇ અને ફુલ વરસાવતી તોપની સાથે બેન્ડવાજા, શરણાઈઓ સહિત ૩૩ કરતાં વધુ વિવિધ ઝાંખી કરાવતી મંડળીઓ સાથે આ ભવ્ય શોભાયાત્રા અંબાજીના પરંપરાગત માર્ગો પર નગરજનોને દર્શન આપવા નીકળી ત્યારે લાખો માંઇભકતોમાં અંબે માતાજીની ભકિતનો માહોલ છવાયો હતો.

                 લાખો શ્રધ્ધાળુ ભકતોએ માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતભરમાંથી માઇભકતો અંદાજે ૬૦ યજ્ઞકુંડ પરથી આ મહાયજ્ઞનો લાભ લેવા ઉમટયા હતા. તો, બપોરે ચાચરચોકમાં શાકોત્સવનો અન્નકુટ તથા છપ્પનભોગનો અન્નકૂટ ધરાવીને આરતી થઇ હતી. રંગોળી, ફૂલોની તોપ, અખંડ જ્યોત, શાકંભરી રથ, માતાજીની બગી, નવદુર્ગાની ઝાંખી, કાર્મેલ સ્કૂલની ઝાંખી, આદિવાસી નૃત્ય, ટ્રિનિટી સ્કૂલની ઝાંખી, નવોદય વિકલાંગ સ્કૂલની ઝાંખી, હાઇસ્કૂલની ઝાંખી, બાહુબલી બગી, રાજસ્થાનની ઝાંખી, ગાયત્રી મંદિર ઝાંખી, ગૌમાતાની ઝાંખી. અંબાજી શક્તિદ્વારથી, જુનાનાકા, માનસરોવર, આઝાદ ચોક, ખોડીયાર ચોક, પોલીસ સ્ટેશન સર્કલ, ભવાની પેટ્રોલ પંપ થઇ શોભાયાત્રા શક્તિ દ્વાર પરત ફરી હતી. સમગ્ર યાત્રા દરમ્યાન બોલ મારી અંબે, જય જય અંબે..ના ભકિતનાદ ગુંજી ઉઠયા હતા.

(9:00 pm IST)