Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગુજરાતમાં છેલ્લા પ વર્ષમાં દુષ્કર્મની ૧૩૧ ઘટના બની

દુષ્કર્મના સંવેદનશીલ મુદ્દે મહત્વની વિગતો ખુલી : દુષ્કર્મની બનેલી ઘટનાઓને લઇને ગૃહમાં માહિતી અપાઈ સુરતમાં દુષ્કર્મની સૌથી વધુ ઘટના : એકબીજા પર પ્રહારો

અમદાવાદ, તા.૧૦ : ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા ૫ વર્ષમાં સામૂહિક બળાત્કારની ૧૩૧ ઘટનાઓ બની છે. જેમાં અલગ અલગ પોલીસ કેસમાં ૫૦૦ આરોપીઓ પકડાયા છે. જ્યારે ૧૮થી વધુ ગુનેગારો આજે પણ પોલીસ પક્કડથી દુર હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારની સૌથી વધુ ૨૬ ઘટનાઓ સુરત ગ્રામ્યમાં નોંધાઇ છે. તો, સુરતમાં ૮ અને અમદાવાદ શહેરમાં ૧૭ સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. આમ, રાજયમાં દુષ્કર્મની ઘટનાઓને લઇ ભારે ગંભીર અને ચિંતાજનક સ્થિતિ વિધાનસભા ગૃહમાં રજૂ થઇ હતી, વિપક્ષ કોંગ્રેસે આ સંવદેનશીલ મુદ્દાને લઇને પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમએ પ્રશ્ન ઉપસ્થિત કરતા માહિતી માંગી હતી કે, તા.૩૦ જૂન ૨૦૧૯ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કારના બનાવો બન્યા છે ? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે? વિક્રમભાઈ માડમના પ્રશ્નનો લેખિત ઉત્તર આપતા ગૃહ રાજ્યપ્રધાન જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ ૧૩૧ સામૂહિક બળાત્કારના ગુના નોંધાયા છે. જે પૈકી પોલીસે ૫૦૦ આરોપીઓ પકડી પાડ્યા છે. જ્યારે હજુ ૧૮ આરોપીઓ પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર કર્યો હતો.

               અત્રે નોંધનીય છે કે, શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામૂહિક બળાત્કારની સૌથી વધુ ૨૬ ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં આઠ, જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં ૧૭ સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. રાજકોટ શહેરમાં ત્રણ બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર- જિલ્લામાં ૧૧ બનાવો બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે ૫૦૦ આરોપીઓને પકડયા છે. સૌથી વધુ ૮૫ આરોપીઓ ભાવનગર શહેર અને જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. જ્યારે ૭૩ આરોપીઓ અમદાવાદ શહેર અને જિલ્લામાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં બનેલી ઘટનાઓમાં ૯ આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં બનેલી સામુહિક બળાત્કારની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા ૧૮ આરોપીઓને પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર ગુજરાત સરકારે કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસે આજે આ સંવેદનશીલ મુદ્દાને લઇ સરકારપર આકરા પ્રહારો કર્યા હતા.

(8:58 pm IST)