Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું

છ વર્ષમાં ૨૮૩૦ પાકિસ્તાનીને નાગરિકતા

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાત વિધાનસભામાં કેન્દ્ર સરકારના નાગરિક સુધારા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ બહુમતિથી આજે પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ કાયદાથી કોઇ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અફવાઓ ફેલાવી દેશવાદીઓને ગેરમાર્ગે દોરવાની અને મતબેંકની રાજનીતિ કરી રહી  છે. પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું તે નીચે મુજબ છે.

*   મહાત્મા ગાંધીએ પણ ૨૬મી સપ્ટેમ્બર ૧૯૪૭ની પ્રાર્થના સભામાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાંથી હિન્દુ શીખોને ભારતમાં આવવાનો સંપૂર્ણ અધિકાર છે

*   રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ ત્રણ દેશના લઘુમતિ સમુદાયના લોકોને નાગરિકતા આપતા બિલ લાવવા માટેની અપીલ કરી હતી

*   વર્ષ ૨૦૦૫માં પાકિસ્તાન માનવ અધિકાર અહેવાલને ટાંકીને તત્કાલિન યુપીએ સરકારના વિદેશ રાજ્યમંત્રી ઇ અહેમદે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર હિંસા ગુજારવામાં આવે છે

*   વર્ષ ૨૦૧૦માં લોકસભામાં વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ પણ પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થતાં હોવાની માહિતી આપી હતી

*   છેલ્લા છ વર્ષમાં ૨૮૩૦ પાકિસ્તાન, ૯૧૨ અફઘાની અને ૧૭૨ બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ છે. અદનાન સામીને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે

*   પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં ૧૯૪૭થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતિઓ માટે સીએએ અસ્તિત્વ માટે સંજીવની સમાન છે

*   ત્રણ દેશોમાંથી અસ્તિત્વ બચાવવા હિઝરત કરીને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારતમાં આવેલા છ લઘુમતિ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે

(8:51 pm IST)