Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

નડિયાદના સંતરામ મંદિરે અંનોખી બાધા રાખતા ભાવિકોઃ યોગ્ય રીતે બોલી ન શકતા બાળકો માટે રખાઇ છે બોર ઉછાળવાની બાધા

ખેડા તા.૧૦: આજે પોષી પુનમને ખેડાના નડિયાદમાં બોર પુનમ તરીકે ઉજવવામાં આવે છે. યોગ્ય રીતે બોલી ન શકતા બાળકના પરિવારજનો સંતરામ મહારાજની બાધા રાખે છે અને બાધા પુરી થતા આજના દિવસે સંતરામ મંદિરમાં બોર ઉછાળવા આવતા હોય છે. સ

સામાન્ય રીતે પૂનમના દિવસે મંદિરોમાં વિશેષ ભીડ જોવા મળતી હોય છે પરંતુ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે પોષી પૂનમના દિવસે ભકતો ખાસ કારણથી આવતા હોય છે. આ ભકતો બોર ઉછાળવા માટે આવતા હોય છે. માન્યતા છે કે યોગ્ય રીતે બોલી ન શકતા બાળકાના પરિવારજનો સંતરામ મહારાજની બાધા રાખે છે અને બોર ઉછાળવાની બાધા રાખે તો તેમનું બાળક થોડાક જ સમયમાં યોગ્ય રીતે બોલતુ થઇ જાય છે. આ માન્યતાને પગલે જે લોકોની માનતા પૂર્ણ થઇ હોય તેવા હજારો લોકો આજના દિવસે સંતરામ મંદિરે પોતાની બાધા પૂરી કરતા હોય છે. અહીં સુરત, વડોદરા અને અમદાવાદથી ભકતો આવે છે.

આ માન્યતા વિશે સંતરામ મંદિરના મહંત નિર્ગુણદાસ મહારાજનુ કહેવુ છે કે વર્ષો પહેલા જયારે સંતરામ મહારાજ જીવિત હતા ત્યારે એક નગરજન મળવા આવ્યા હતા અને તેમનું બાળક યોગ્ય રીતે બોલતું નહોતું. એ સમયે બાળક યોગ્ય રીતે બોલતું થાય ત્યારે તું કોઇપણ ૧ ફળ મંદિરે આવી ચડાવી જજે અને બસ ત્યારથી જ આ માન્યતા સંતરામ મંદિરેશરૂ થઇ છે.

(8:43 pm IST)