Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વાપીમાં કરોડોની લૂંટ ચલાવનાર લૂંટારૂઓ ૨૪ કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર.. ફરીયાદમાં લૂંટનો આંક ૬.૫૮ કરોડનો બતાવવામાં આવ્યો.. આ લૂંટમાં કઈ ગેંગ છે તેની પોલીસની તપાસ... વાપીના ઈતિહાસની સૌથી મોટી આ લૂંટ..પોલીસ માટે પડકાર

વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ આઈઆઈઓએલ ગોલ્ડ લોનની શાખામાં થયેલ કરોડોની દિલધડક લૂંટના ૨૪ કલાક બાદ પણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર જણાય છે.

જીલ્લા પોલીસ વડા, ક્રાઈમ બ્રાંચ, એસઓજી, વાપી જીઆઈડીસી પોલીસ સહિત જીલ્લાભરનું પોલીસ તંત્ર લૂંટારૂઓને ઝડપી પાડવા કામે લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળ્યાનું જણાતુ નથી.

ઉપરોકત ફાઈનાન્સ કંપનીના મેનેજર દિપક હર્ષદલાલની ફરીયાદને આધારે ડુંગરા પોલીસ મથકમાં ગુનો નોંધી લોકલ ક્રાઈમ બ્રાંચને આ તપાસ સોંપવામાં આવી છે. ફરીયાદમાં લૂંટનો આંક ૬.૫૮ કરોડ બતાવવામાં આવ્યો છે.

વલસાડ જીલ્લા એલસીબી પી.આઈ. ગામિતે આપેલી માહિતી અનુસાર વાપીની આ લૂંટમાં કઈ ગેંગ સામેલ છે એની તપાસ હાથ ધરી છે. જેમાં સીસીટીવી ફુટેજ પણ ઉપયોગી બનશે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર

લુંટારૂઓ સ્વીફટ જેવી કોઇ કારમાં નાસી છુટયા હતા. એ પગેરૂને આધારે તપાસનો દોર લંબાવવો છે. એટલું જ નહિં પોલિસ ટીમ આ લુંટમાં આ ઓફિસનો કોઇ કર્મચારી સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ તો નથી ને એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત પોલિસ ટીમ મોબાઇલ ફોન સહિતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ લુંટારૂઓને ઝડપી લેવા કમર કસી છે. લુંટારૂઓએ ઓફિસના સીસીટીવી કેમેરા તો તોડી નાંખ્યા હતાં. પરંતુ ઓફિસની બહાર લોબીના સીસી ટીવી કેમેરા આ લુંટારૂઓ દેખાયા હતા. જે કુટેજને આધારે લુંટારૂઓને ઝડપી પાડવા પોલિસે કવાયત હાથ ધરી છે.

વાપીના ઇતિહાસની આ સૌથી મોટી લુંટે હાલમાં તો પોલિસ માટે પડકાર બની છે.

(6:05 pm IST)