Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજ્યમાં પ વર્ષમાં ૩ હજારથી વધુ ચેઈન સ્નેચીંગ : ૩ના મોત

વિધાનસભાના એક દિવસીય સત્રમાં ખુલાસો : ગુજરાતમાં મહિલાઓના ગળા પણ અસલામત : સરકાર દ્વારા કડક સજાની જોગવાઇ છતાંપણ ચેઇન સ્નેચર બેફામ

અમદાવાદ, તા.૧૦ : વિધાનસભાના એક દિવસીય સત્રમાં આજે રાજ્યમાં વધી રહેલા ચેઈન સ્નેચીંગના બનાવો મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચેઈન સ્નેચીંગ દરમ્યાન પાંચ વર્ષમાં નાગરિકોને થયેલી ઇજા અને ગંભીર ઇજાના કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, તા. ૩૦ જૂન ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં ચેઈન સ્નેચીંગની ૩,૧૩૧ ઘટનાઓ બની છે. આ ઘટનાઓ દરમ્યાન ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે વર્તમાન સરકાર દ્વારા કડક સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. જો કે, આકરી જોગવાઇઓ છતાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે અને કાયદો માત્ર કાગળ પર રહી જતો હોવાના આક્ષેપો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.

                   આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, રાજ્યના ધાર્મિક સ્થળો જાહેર માર્ગ, રેલ્વે સ્ટેશન શાકમાર્કેટ તેમજ એસટી સ્ટોપ જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ, મોબાઈલ પેટ્રોલીંગ અને બાતમીદારો સાથે સંપર્ક રાખીને શકમંદ વ્યક્તિઓ ઉપર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ પોઈન્ટ પણ રાખવામાં આવે છે. તેની સાથે અવાર નવાર નાગરિકોને તકેદારી રાખવાની સુચના આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચેઈન સ્નેચીંગના ૧૭૬ બનાવો નોંધાયા છે. જો કે આ ઘટનાઓમાં રાજકોટના કોઈ નાગરિકને ગંભીર ઇજા કે મૃત્યુ થયા હોવાનું નોંધાયું નથી.

(8:59 pm IST)