Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મેં જે વચનો આપેલા છે તે નેવું ટકા બાકી છે, એ હું પૂરા કરીશ અને મારી ઇચ્છા હશે ત્યાં ઉડીને જઇશ પણ...

હવેથી કોઇપણ સમારોહ, પુસ્તક વિમોચન, શૈક્ષણિક-ધાર્મિક, સામાજીક, મેળાવડા, ભૂમિપૂજન, શિલાપૂજનમાં હું નહિં જાવઃ પૂ. મોરારીબાપુ

ગુજરાતના બામણામાં આયોજીત ''માનસ ઉમાશંકર'' શ્રીરામ કથામાં જાહેરાતથી સ્તબ્ધતા

રાજકોટ તા. ૧૦: હિંમતનગરના બામણામા આયોજીત ''માનસ ઉમાશંકર'' શ્રીરામ કથામાં પૂ. મોરારીબાપુએ હવેથી કોઇપણ કાર્યક્રમોમાં નહિં જવાની જાહેરાત કરતા સ્તબ્ધતા છવાઇ ગઇ છે.

ગુજરાતના બામણા ખાતે ચાલી રહેલી રામકથાના છઠ્ઠા દિવસે મોરારિબાપુએ ગઇકાલે એવી જાહેરાત કરી હતી કે, હું રામકથા કરતો રહીશ પણ હવેથી કોઇપણ સમારોહમાં, પુસ્તક વિમોચનમાં, શૈક્ષણીક, ધાર્મિક, સમાજિક કાર્યો, મેળાવડા, ભૂમિપૂજન, શિલાપૂજન કોઇપણ કાર્યક્રમોમાં મને આમંત્રિત કરવો નહિં, હવેથી કોઇ કાર્યક્રમમાં તલગાજરડાની હાજરી નહિં હોય. હવે તલગાજરડા જયાં હશે ત્યાંથી પ્રસન્નતા વ્યકત કરી લેશે. પૂ. મોરારિબાપુએ વધુમાં કહ્યું કે, મેં જે વચનો આપેલા છે તે નેવું ટકા બાકી છે. એ હું પૂરા કરીશ અને મારી ઇચ્છા હશે ત્યાં ઊડીને જઇશ. હવે કોઇએ સંકોચ આપવા આવવું નહિં. આ પ્રત્યાહાર નથી. પ્રેમવિહાર છે. આ મારો શિવ સંકલ્પ છે. મોરારિબાપુની આ જાહેરાતથી સ્તબ્ધતા છવાઇ હતી.

રામકથાને આગળ વધારતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, આ પાવનધરા પરથી જે કવિને વ્યકિત, ઘટના કે દુનિયાની પરિસ્થિતિ માટે દ્રોહ નહોતો, વિદ્રોહ જરૂર હતો. એ વિશ્વશાંતિ માટે ઉગ્ર નહોતા બન્યા પણ વ્યગ્ર જરૂર થયેલા.

પૂ. મોરારિબાપુએ પત્રોના જવાબ આપતી વખતે વ્યગ્રભાવથી બોલ્યા કે,

ઉસકે ઘર પે તાલા હૈ

વો મેરે દોસ્તને ડાલા હૈ

આગ તો અપને હી લગાતે હૈ, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ. મારો આત્મા તો એમ કહી રહ્યો છે કે, આ કરવા જેવું થઇ રહ્યું છે. દાળમાં સપ્રમાણ નમક હોય તો ઘણાને ખારી લાગે છે અને ઘણાને દાળ સાવ મોળી લાગે છે. મારી હાજરી નહીં, મારી હોજરી પ્રસન્નતા વ્યકત કરે છે. મોરારિબાપુએ પોતે કોઇ કાર્યક્રમો કે. સમારોહમાં હાજરી નહિં આપે એવી જાહેરાત કર્યા બાદ જણાવ્યું કે, આના કારણો છે. કેટલીક માંગણીઓ મારી પાસે આવે એમાં વ્યાસપીઠ તરફ કોઇ લાગણી નથી. માત્ર સ્વાર્થ. તેનું કામ થઇ ગયું, તેને તેને પ્રતિષ્ઠા મળી ગઇ એટલે પૂરૃં. જેને મોરારિબાપુની કથા સાથે કોઇ લેવાદેવા નથી. મારી વ્યાસપીઠ તો પરમાર્થમાં વહે છે. પરાધીનતા તાણી જાય. પ્રારબ્ધ તરવા પ્રેરે. મારે પરાધીન પણ નથી થવું અને પ્રારબ્ધ માટે તરવું પણ નથી. મારી કથાઓ ચાલુ રહેશે. મારા ગુરૂની સમાધિનો ધુપ જયાં સુધી છે ત્યાં સુધી મારૃં શરીર, મારી વાણી કથા ગાતા રહેશે. મોરારિબાપુએ ટકોર કરતાં જણાવ્યું કે, અમુક ભાગ્યશાળી માણસો કથામાં ડોકાતાં પણ નથી. ઉલટું, આલોચના કરે છે. આમાં ઘણું રહી જાય છે. આ અંતીમ નથી. કાલે કાંઇક નવું સૂઝે તો હું એનો માલિક છું. વચ્ચે બધાને રાજી કર્યા. ખૂબ રાજી કર્યા. હવે કોઇને નારાજ નથી કરવા. મારી સાથે સમાધિ છે, પોથી છે. ત્રિભુવનીય પાદુકા છે. પરિવારનું તપ અને ત્યાગ છે. એક મહામંત્ર રામ છે. બીજા શેનીયે જરૂર નથી. મેં આજે જે કાંઇ કહ્યું એ કહેવાનો સળવળાટ ત્રીજા દિવસથી જ હતો. મારે કોઇ નિવેદન વાંચવું નહોતું. મને રપમું ગયું, પ૦મું ગયું. પાંચ વસ્તુ અલંકાર, અહંકાર, અધિકાર અને અસહકારને શૂન્ય કરો એટલે પંચોતેર આવે. ગોલ્ડન જયુબિલી આવે. આ ઉંમરે બધા જવાબ મળે. કથા દરમિયાન પૂ. મોરારિબાપુએ મહાભારતના પ્રસંગનું પણ વર્ણન કર્યું હતું.

(11:29 am IST)