Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગુજરાતના ૭પ હજાર વકીલો માટે આગામી બજેટમાં વેલફેર સહાય ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ ભાજપ લીગલ સેલની રજૂઆત

રાજકોટ : ગુજરાતના વકીલો માટે આગામી બજેટમાં વેલફેર ફંડની સહાય ફાળવવાના પ્રશ્ને બાર કાઉ.ના પુર્વ ચેરમેન અને ભાજપ લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલની આગેવાનીમાં વકીલોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદીપસિંહ જાડેજા સમક્ષ રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

રાજકોટ તા. ૧૦ :.. ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના કન્વીનર શ્રી જે. જે. પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ધારાશાસ્ત્રીઓ માટે અને તેમના કુટુંબીજનોના કલ્યાણના કાર્યો માટે વેલફેર ફંડમાં સહાય આપવા માટે સંખ્યાબંધ વાર રજૂઆતો કરવામાં આવેલ. જેમાં સને ર૦૧૧ માં ગુજરાત સરકાર દ્વારા ઇ-લાઇબ્રેરી માટે જે તે સમયના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને ફંડ આપવામાં આવેલ હતું.

ગુજરાતમાં આશરે ૭પ,૦૦૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓ તેમજ રપર બાર એસોસીએશનો કાર્યરત છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એ વકીલોની  માતૃસંસ્થા છે અને આ માતૃસંસ્થામાં જોડાયેલા ધારાશાસ્ત્રીઓ રાજયના કાયદાના પડતર કેસોમાં ઝડપી તેમજ નિષ્પક્ષ ન્યાય અપાવવા માટે તાલુકાથી લઇ હાઇકોર્ટ સુધી કાર્યરત છે. જેથી તેઓના તેમજ તેમના કુટુંબીજનોના વેલ્ફેર માટે તેમજ જે તે તાલુકા અને જિલ્લાની  અદાલતોમાં જરૂરી સહાય મળી રહે તે માટે બાર કાઉન્સીલ દ્વારા સરકારશ્રીને અનેકવાર રજૂઆતો અને વિનંતી કરવામાં આવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલ્હીના વકીલો માટે કેઝરીવાલે પ૦ કરોડી ફાળવણી કરી છે.

દેશના ૧૬ રાજયોમાં ધારાશાસ્ત્રીઓના તથા તેમના કુટુંબીજનોના વેલ્ફેર માટે કરોડો રૂપિયાની યોજના છે. તેમજ સરકારશ્રી દ્વારા સ્ટેટ કાઉન્સીલને મોટી રકમ પણ ફાળવવામાં આવેલ છે. તેવા સંજોગોમાં ગુજરાતના ૭પ,૦૦૦ ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર ફંડ માટે રકમ ફાળવવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ તેમજ રાજયના કેબીનેટ કક્ષાના કાયદા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયકક્ષાના કાયદા મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાને પણ રૂબરૂ મળી રજૂઆતો કરવામાં આવેલ. આ રજૂઆત સમયે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી સી. કે. પટેલ, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન શ્રી રમેશચંદ્ર એન. પટેલ તથા સભ્યો શ્રી અનિલ સી. કેલ્લા, શ્રી દિપેન કે. દવે, શ્રી જે. જે. પટેલ, શ્રી ભરત વી. ભગત, શ્રી પ્રવિણ ડી. પટેલ, શ્રી કરણસિંહ બી. વાઘેલા, શ્રી શંકરજી એસ. ગોહીલ, શ્રી નલિન ડી. પટેલ, શ્રી હિતેશ જે. પટેલ, શ્રી વિજય એચ. પટેલ વિગેરે જોડાયેલા.

(11:25 am IST)