Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વારસાઇ તથા ક્ષતિ સુધારણા અરજી ઓનલાઇન કરી શકાશે

ગાંધીનગર તા.૧૦: રાજયની મહેસુલી સેવાઓ તથા વહીવટ કોમ્પ્યુટરરાઇઝડ, ઝડપી,સરળ,પારદર્શક અને સલામત બનાવવા રાજય સરકાર દ્વારા વિવિધ મહેસુલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. જે પૈકી વારસાઇ તથા ગામ નમૂના નંબર-૭માં ડેટા એન્ટ્રી,સ્ક્રિપ્ટ એન્ટ્રી ભૂલ રહી હોય તેવા કિસ્સમાં ભૂલો સુધારવાની કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવી છે. નાયબ કલેકટર (જ.સુ) અપીલ, ગાંધીનગર શ્રી એ.આર.ઝાલાએ વધુમાં જણાવ્યું છે કે વારસાઇ તેમજ ક્ષતિ સુધારણા સેવા માટે અરજદારશ્રીએ ઓનલાઇન https://iora.gujarat.gov.in વેબસાઇટ પર જઇ વરસાઇની અરજી કરવા 'વારસાઇ' તેમજ ક્ષતિ સુધારણાની અરજી કરવા માટે 'ક્ષતિ સુધારણા માટેની અરજી' વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

વારસાઇ અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રૃતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર, મરણ પામનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અપલોડ કરેલ વિગતો સાથેની અરજી સબમીટ કર્યા બાદ મહત્તમ ૧૫ દિવસમાં અસલ દસ્તાવેજો સંબંધિત તાલુકાના ઇ-ધારા કેન્દ્ર ખાતે રજુ કરવાના રહેશે. અરજી સાથે ૭/૧૨, ૮-અ જેવા દસ્તાવેજ રહેશે નહિ. પરંતુ કોઇ ચોક્કસ કિસ્સામાં કોઇ કોર્ટ હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે. ક્ષતિ સુધારણા માટેની અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રૃતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. અરજીમાં ૭/૧૨ મુજબના જે તે ખાતાના કબ્જેદારોએ પુરા નામ તથા સરનમા આપવા તથા અરજીમાં તમામે સહી કરવાની રહેશે. તેમજ જો અન્ય હિત ધારક હોય તો તેની વિગત પણ દર્શાવવાની રહેશે. એક કરતાં વધુ સર્વે નંબર હોય તો સર્વે નંબર વાર અલગ અલગ અરજી કરવાની રહેશે. તમામ ખાતેદારોની સહીવાળી અરજી સાથે પ્રમાણિત કરેલ આધાર પુરાવાઓ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. તથા અરજી સબમીટ કર્યા તારીખથી મહત્તમ ૧૫ દિવસમાં અસલ દસ્તાવેજો, સંબંધિત તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે પોસ્ટથી અથવા રૂબરૂ રજુ કરવાના રહેશે. બન્ને અરજીમાં કોઇ વિગત બાકી રાખેલ હશેઅથવા સુધારવાપાત્ર વિગતો સ્પષ્ટ દર્શાવેલ નહિ હોય તો અરજીનો અસ્વીકાર કરવામાં આવશે. અરજદાર વધુ માહિતી માટે https://inra.gujarat.gov.in વેબસાઇટ પર જઇ વારસાઇ તેમજ ગા.નં.નં.૭ ક્ષતિ સુધારણા અરજી કરવા માટેની કાર્ય પધ્ધતિ જોઇ શકે છે તેમજ તે મુજબ અરજી દાખલ કરી શકે છે.

(11:22 am IST)