Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો :ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં સામાન્ય વરસાદની સંભાવના

આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા નથી :12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની આગાહી

 

અમદાવાદ :નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ, ગ્રાઉન્ડ ખાતે 2 વાગે યોજવામાં આવશે. જ્યાં વડાપ્રધાન મોદી પણ સહિત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. જેને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો થતા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘મંડૌસ’ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે અને તે ચેન્નાઈથી લગભગ 480 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને કરિયાકલથી 390 કિમી દૂર છે. જેને પગલે ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ચેન્નાઇ, ચેંગસપટ્ટૂ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કુડ્ડાલોર, રાનીપેટ, વેલ્લોર સહિત તિરૂવલ્લૂરની સ્કૂલ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થતાં હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. મહત્વનું છે કે, ગુજરાતમાં નવી સરકારની શપથવિધીના દિવસે વરસાદની આગાહી કરવામાં આવતા અમી છાંટાઓ વચ્ચે શપથવિધિ યોજાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ અગેં IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, અત્યારે દિવસનું ટેમ્પરેચર બરાબર રહેશે. પરંતુ રાતનું ટેમ્પરેચરમાં બદલાવાની સંભાવના છે. સૌથી ઓછું તાપમાન હાલ નલિયામાં છે. ગુજરાતમાં 24 કલાક બાદ 2થી 4 ડીગ્રી તાપમાન વધી જશે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. જો કે,12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે. ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેશે

(12:21 am IST)