Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોળકાના ચૂંટાયેલા ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને MLA GUJRATની પ્લેટ અર્પણ કરી

જાહેર મંચ પર એક કાર્યક્રમમાં આ ભેટ આપવામાં આવી ખુદ પૂર્વ ધારાસભ્યએ પોતાના સોશિયલ મિડીયા પર ઉલ્લેખ કર્યો

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે.જેમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. રાજ્ય સરકારના મોટા ભાગના મંત્રીઓએ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. આ વખતે વિરોધ પક્ષને જ નાબૂદ કરી દેવામાં આવ્યા છે.રાજ્યમાં 182 બેઠકમાંથી 156 બેઠક પર ભાજપનું કમળ ખિલ્યુ છે. જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 5 બેઠક અને કોંગ્રેસને 17 બેઠક મળી છે. ત્યારે રાજ્યમાં એક સમયે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે પોતાની તકતી ભેંટ જાહેરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યને આપી છે.

રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોળકા વિધાનસભા વિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને પોતાની MLA GUJRATની પ્લેટ અર્પણ કરી હતી. એ પણ જાહેર મંચ પર એક કાર્યક્રમમાં આ ભેટ આપવામાં આવી હતી. જેનો ખુદ પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સોશિયલ મિડીયા પર ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે “જીત્યા પછી જાહેરસભામાં નવા ચૂંટાયેલા કીરીટસિંહ ડાભીને મેં MLA GUJARAT ની મારી પ્લેટ અર્પણ કરી, અભિવાદન કર્યું અને જનતાનો આભાર માન્યો”

અત્રે ઉલ્લેખનીય છે કે ધોળકા વિધાનસભા વિસ્તારમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ખુબ જ સારું પ્રભુત્વ છે. તેમ છતાં ભાજપે તેમને આ વખતે રીપીટ ન કર્યા અને કિરીટસિંહ ડાભીને ટીકીટ આપી હતી. ત્યારે ભાજપના કિરીટસિંહ ડાભીએ કોંગ્રેસના અશ્વિન રાઠોડ અને આપ પાર્ટીના જટુભા ગોળને પરાજિત કરી 13,405 મતની લીડ મેળવી હતી.

(12:19 am IST)