Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારંભની તડામાર તૈયારી શરૂ: અનેક દિગ્ગજોને આમંત્રણ મોકલવામાં આવ્યું

પીએમ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ગુજરાતના સાંસદો સહિતના દિગ્ગજો રહેશે ઉપસ્થિત

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે મંત્રી મંડળ સહિત ઔપચારિક રીતે રાજીનામું આપી દીધુ છે. ભૂપેન્દ્રભાઈ  પટેલ 12 ડિસેમ્બરે ફરી મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારંભ 12 ડિસેમ્બરે યોજાશે. તે રાજ્યના 18માં મુખ્યમંત્રીના શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ પીએમ મોદીની હાજરીમાં યોજાશે. નવી સરકારના શપથ ગ્રહણ સમારંભની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ પર યોજાનારા શપથ ગ્રહણ સમારંભને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

શપથ ગ્રહણ સમારંભ માટે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યુ છે, તેની માટે હેલીપેડ મેદાન પર શપથ ગ્રહણ સમારંભ માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારંભ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે યોજાશે. પીએમ મોદી નવી સરકારના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ પણ હાજર રહેશે.

ગુજરાત પ્રદેશ ભાજપે શપથ ગ્રહણ સમારંભમાં કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ મોકલ્યુ છે જેમાં પુરૂષોત્તમભાઈ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખભાઈ  માંડવિયા સહિત કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ સિવાય શપથ ગ્રહણ સમારંભમાં ભાજપ શાસિત મુખ્યમંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

(12:14 am IST)