Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતમાં 12મીએ નવી ભાજપ સરકારનો યોજાશે શપથ ગ્રહણ સમારંભ: જુના મંત્રીઓ સાથે નવા ચહેરાને મળશે કેબિનેટમાં સ્થાન

નવી કેબિનેટમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાને વધુ જગ્યા મળવાની શક્યતા

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડતા 156 બેઠક પર જીત મેળવી છે. નવી ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારંભ 12 ડિસેમ્બરે યોજાશે. મળતી જાણકારી અનુસાર કેટલાક જૂના મંત્રીઓને નવી સરકારના મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવશે. આ સિવાય કેટલાક નવા ચહેરાને પણ જગ્યા આપવાની ચર્ચા ચાલી રહી છે. નવી કેબિનેટમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાને વધુ જગ્યા મળવાની શક્યતા છે.

પ્રદ્યુમન સિંહ જાડેજા અથવા વીરેન્દ્રસિંહ જાડેજા બન્ને ક્ષત્રિય નેતા છે અને ક્ષત્રિય સમુદાય પર તેમની સારી પકડ છે, સાથે જ બન્ને સીનિયર ધારાસભ્ય છે, માટે તેમાંથી કોઇ એકને મંત્રી પદ મળવાની સંભાવના છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજનું નેતૃત્વ કરનારા શંકર ચૌધરીને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી શકે છે કારણ કે તે પહેલા પણ મંત્રી રહી ચુક્યા છે. અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન સાર્વજનિક રીતે સંકેત આપ્યો હતો કે શંકર ચૌધરીને નવી સરકારમાં મોટુ સ્થાન આપવામાં આવશે.

આ સિવાય ઓબીસી સમાજના દિયોદરના કેસાજી ચૌહાણ, કાંકરેજના કીર્તિસિંહ વાઘેલા, સિદ્ધપુરના બળવંત સિંહ રાજપૂતને પણ મોટી જવાબદારી સોપવામાં આવી શકે છે. આ સિવાય રાજકોટના ઉદય કાનગડ અને અમદાવાદના નીકોલ બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ મંત્રી મંડળમાં સામેલ થઇ શકે છે. જગદીશ પંચાલ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે અને અધિકારીઓ પર તેમની સારી પકડ છે. આ સિવાય જસદણના કુંવરજી બાવળિયાને પણ મંત્રી મંડળમાં જગ્યા આપવામાં આવી શકે છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી જીતેલા અલ્પેશ ઠાકોરને પણ મંત્રી પદમાં સ્થાન મળી શકે છે.

પાટીદાર ચહેરાની વાત કરવામાં આવે તો વીસનગરથી જીતેલા રિષિકેશ પટેલ, મોરબીથી કાંતિ અમૃતિયા, અમરેલીના કૌશિક વેકરિયા અથવા પછી મહેશ કસવાલા, ભાવનગરના જીતૂ વાઘાણી, વડોદરાના યોગેશ પટેલ અને જેતપુરથી જીતેલા જયેશ રાદડિયા અને નડિયાના પંકજ પટેલને પણ ભૂપેન્દ્ર સરકારના મંત્રી મંડળમાં જગ્યા મળી શકે છે.

(11:50 pm IST)