Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ બ્રાંડ મોદી અને શાહ-પાટિલની રણનીતિ કારગત નીવડી

બૂથ મેનેજમેન્ટ માટે પેજ કમિટી અને પેજ અધ્યક્ષ જેવા પદ બનાવ્યાજેનું સીધું કમલમથી મોનીટરીંગ :સંઘને પણ કમાન સોંપાઈ

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150થી વધારે બેઠકો પર જીત મેળવીને 1985નો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1985માં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપના આ ઐતિહાસિક જીત પાછળ બ્રાંડ મોદી અને શાહ-પાટિલની રણનીતિને માનવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને ગુજરાતના ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે ત્રિકોણીય મુકાબલામાં એવો ચક્રવ્યૂહ રચ્યો, જેનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્ને ધરાશાઇ થઇ ગઇ હતી. ટિકિટ વહેચણીથી લઇને બેઠકની મોરચાબંધી કરવામાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા હતા. રેકોર્ડ જીત માટે કેવી રીતે જાળ પાથરવામાં આવી,

ઓગસ્ટ 2021માં મુખ્યમંત્રી સહિત પુરી કેબિનેટ બદલ્યા બાદ નવેમ્બરમાં જ્યારે ટિકિટની જાહેરાત થઇ તો ભાજપે 38 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ પણ સામેલ હતુ.

ટિકિટ કાપવામાં આવ્યા બાદ પાર્ટીની અંદર જ્યારે બળવાનો અવાજ ઉઠવા લાગ્યો તો ખુદ અમિતભાઈ શાહે મોરચો સંભાળી લીધો હતો. અમિતભાઈ  શાહે ટિકિટ કપાવવાને પારંપરિક નિર્ણય ગણાવીને યોગ્ય સાબિત કર્યુ હતુ. સૂત્રો અનુસાર પાર્ટી સર્વેમાં જે ધારાસભ્યો વિરૂદ્ધ ગુસ્સો હતો, તેમની ટિકિટ કાપવામાં આવી હતી. આ સિવાય કેટલાક સીનિયર નેતાઓની ટિકિટ પણ કાપવામાં આવી હતી.

ટિકિટ કાપવાનો પ્રયોગ મોરબીથી લઇને રાજકોટ સુધી સફળ રહ્યો હતો. મોટાભાગની બેઠકો પર નવા ઉમેદવારોની જીત થઇ છે. મોરબીમાં ભાજપના ઉમેદવારે 60 હજાર કરતા વધુ મતથી જીત મેળવી છે.

હાર્દિક પટેલ, રીવાબા જાડેજા અને અલ્પેશ ઠાકોર, આ તે પૉપુલર ચહેરા છે, જેમણે ભાજપે ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. અમિત શાહ-સીઆર પાટિલની આ સ્ટ્રેટેજી પણ કામ આવી અને તમામ પૉપુલર ચહેરા ચૂંટણી જીતી ગયા હતા.

 

ગુજરાત ચૂંટણીમાં ભાજપે પક્ષ પલટુઓને પણ ટિકિટ આપી હતી. કોંગ્રેસ અને બીજી પાર્ટીમાંથી આવેલા 16 નેતાઓને ટિકિટ આપવામાં આવી હતી જેમાંથી મોટાભાગના નેતા ચૂંટણી જીતી ગયા હતા. જેમાં કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ અને કુંવરજી બાવળિયા પણ સામેલ છે.

 

ભાજપે ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટ માટે પેજ કમિટી અને પેજ અધ્યક્ષ જેવા પદ બનાવ્યા હતા. પેજ કમિટીને લોકોની વાત સાંભળીને હાઇકમાન સુધી પહોચાડવાની જવાબદારી સોપવામાં આવી હતી, જેનું મોનીટરિંગ સીધુ કમલમથી કરવામાં આવતુ હતુ.

પીએમ મોદીના ગૃહ વિધાનસભા બેઠક ઉંઝા અને અમિતભાઈ  શાહની ગૃહ વિધાનસભા માણસાની કમાન સંઘને સોપવામાં આવી હતી. ગત ચૂંટણીમાં બન્ને બેઠક પર કોંગ્રેસને જીત મળી હતી. આ વખતે બન્ને સીટ પર RSS બેકગ્રાઉન્ડના ઉમેદવારને ઉતારવામાં આવ્યા હતા. ઉંઝા બેઠક પર મોહન ભાગવતના નજીકના કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે માણસાથી જયંતી પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. બન્ને બેઠક પર ભાજપનો પ્રયોગ સફળ રહ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ (BJP)એ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી. કોંગ્રેસને 17 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 બેઠક મળી હતી.

(11:47 pm IST)