Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સુરતના સહાયક માહિતી નિયામક કે. જે. પરમાર અને કલાર્ક સતીષ જાદવ ૨ લાખ ૭૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા : આરોપીઓ દ્વારા ૫ લાખ ૪૦ હજારની કુલ લાંચ માંગી હતી : દૈનિક અખબારોમાં સરકારી જાહેરાતની પેનલો રીન્યુ બાબતની રકમ મંગાયેલી

ઍસીબી વડા અનુપમસિંહ ગેહલોત સાથે પરામર્શ બાદ કાર્યવાહી : ભારે ખળભળાટ

રાજકોટ : સુરતના સહાયક માહિતી નિયામક કે.જે. પરમાર અને જુનિયર કલાર્ક સતીષ જાદવ ૨ લાખ ૭૦ હજારની લાંચ લેતા સુરત ઍસીબી પીઆઈ ઍ.કે. ચૌહાણે મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ છટકુ ગોઠવી ઝડપી લીધા છે. આરોપીઓ દ્વારા દૈનિક અખબારોમાં જાહેરાતની પેનલ રીન્યુ કરવા બાબત આ કામના ફરીયાદી પાસેથી ૫ લાખ ૪૦ હજારની લાંચ માંગી હતી. જેના પ્રથમ હપ્તા તરીકે ૨ લાખ ૭૦ હજાર આપવા માંગણી કરેલ.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય સુરત ઍસીબીનો સંપર્ક સાધતા ઍન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. સૂત્રોમાંથી મળતા નિર્દેશ અનુસાર આ બાબતે ઍસીબીના ઈન્ચાર્જ વડા અનુપમસિંહ ગેહલોત સાથે પરામર્શ કરી બંને આરોપીઓને સુરતની બહુમાળી કમ્પાઉન્ડ બારથી ઝડપી લેવામાં આવ્યા હતા.

(5:59 pm IST)