Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વડોદરામાં મુંબઈથી ખાનગી બસમાં રિવોલ્વર લઈને આવતા આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી જેલ હવાલે કર્યા

વડોદરા: શહેરમાં મુંબઈથી ખાનગી બસમાં રિવોલ્વર લઈને આવતા આરોપીઓ ગોલ્ડન ચોકડી ખાતે આવેલા કેરિયરનો સોદો કરે ત્યાં જ હરણી પોલીસ  ત્રાટકી હતી. અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનામાં દરોડા સમયે  સ્થળ પરથી ફરાર બાબુ વાલજીભાઈ મકવાણા અને રફીક રહીમભાઈ હબીબાણી  ( બન્ને રહે - ભાવનગર )ની આગોતરા જામીન અરજી અદાલતે ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે. 

અરજદાર તરફે તેમના વકીલે દલીલો કરી હતી કે, પોલીસના હાથે ઝડપાયેલ આરોપીના નિવેદનના આધારે અરજદારોના નામ જાહેર થયા છે. ફક્ત નામ જણાવ્યાથી આરોપ સાબિત થઈ જતો નથી. તો સામા પક્ષે સરકાર તરફે એ.પી.પી.એ દલીલો કરી હતી કે, દીપેન મનોજભાઈ મકવાણા , પ્રમોદ હીરાલાલ મારુ  ચીમનભાઈ ઉર્ફે મુન્નો પાલજીભાઈ ગોહિલ વેચાણના ઇરાદાથી પોતાની પાસે રાખેલ પિસ્તોલ , બે મેગેઝીન અને 12 નંગ જીવતા કારતુસ સાથે ઝડપાયા હતા. પોલીસના દરોડા સમયે અરજદાર આરોપીઓ ઇકો કારમાં નાસી છૂટ્યા હતા. આ ગુનામાં તેઓની સીધી સંડોવણી જણાયેલ હોય પ્રથમ દર્શનીય કેસ છે. અરજદાર રફીક હબીબાણી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અરજદાર પરપ્રાંતિય હોય કેસની ટ્રાયલ સમયે હાજર રહેવાની શક્યતા નહિવત છે. બંને પક્ષોની દલીલો, તપાસ અમલદારનું સોગંદનામુ અને પુરાવાની ચકાસણી બાદ ચોથા એડિશનલ સેશન્સ ન્યાયાધીશ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોંધ્યું હતું કે, દરોડા દરમિયાન અરજદાર આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હોય ગુનામાં સીધી સંડોવણી જણાય છે. કેસ પેપર્સ, આરોપીની ગુનામાં ભૂમિકા સહિતની હકીકતો તેમજ ગુના સજાની જોગવાઈ જોતા હાલની આગોતરા જામીન અરજી ના મંજૂર રાખવી ઉચિત અને ન્યાયી જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મુંબઈ કોર્પોરેશનમાં કચરાના ડબ્બાનો કોન્ટ્રાક્ટ ધરાવનારો આરોપી દિપેન મકવાણા તેના પરિચીત શૈલેષ ગોહિલ પાસે 01 લાખ રૂપિયા માગતો હોવાથી આ રકમના બદલામાં તેણે રિવોલ્વર વેચવા આપી હતી, જેથી શૈલેષ તેના કઝિન પ્રમોદને લઈ રિવોલ્વરનો એક લાખમાં સોદો કરવા વડોદરા આવ્યો હતો, પરંતુ તે શિહોરના ચીમન ગોહિલ સાથે સોદો કરે ત્યાં જ પકડાઈ ગયો હતો. પોલીસને જોતા ચીમનની સાથે આવેલા બશીર, રફીક અને બાબુ ફરાર થઇ ગયા હતા.

(5:34 pm IST)