Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપાને મળ્‍યો ૫૩.૩૩ ટકા વોટશેર

ગુજરાતના ચૂંટણી પરિણામો : કોંગ્રેસનો ૧૨ ટકા વોટ શેર આમ આદમી પાર્ટી ખાઇ ગઇ

નવી દિલ્‍હી તા. ૯ : ગુરૂવારે જાહેર થયેલા ગુજરાત વિધાનસભા ચુંટણીના પરિણામોમાં સત્તાધારી ભાજપને ૫૩.૩૩ ટકા વોટશેર મળ્‍યો છે. જ્‍યારે નવોદિત આમ આદમી પાર્ટીને ૧૨ ટકા હિસ્‍સો મળ્‍યો છે.

કોંગ્રેસને વોટશેર ઘટીને ૨૬.૯ ટકાએ પહોંચ્‍યો હોવાનું ચુંટણી પંચના આંકડાઓમાં કહેવાયું છે. ચુંટણી પંચના આંકડાઓ અનુસાર, બપોરે ૧૨ વાગ્‍યે ભાજપા ૧૫૦થી વધારે બેઠકો પર, કોંગ્રેસ ૨૨ બેઠકો પર, આપ ૬ બેઠકો પર, સપા ૧ બેઠક પર અને અપક્ષો ત્રણ બેઠકો પર આગળ હતા.

ભાજપાના મહામંત્રી પ્રદિપ વાઘેલાએ મીડિયાને કહ્યું કે, લોકોએ કોંગ્રેસ અને આપ બંનેને નકારી દીધા છે અને ફરી એકવાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પક્ષને જીત તરફ દોરી ગયા છે એટલું જ નહીં ભાજપાએ ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતીને ઇતિહાસ રચ્‍યો છે.

કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે કે, આમ આદમી પાર્ટીએ ભાજપાની બી ટીમ તરીકે કામ કરીને કોંગ્રેસને નુકસાન પહોંચાડયું છે. તેની ઉપસ્‍થિતિના કારણે જ ભાજપા ૧૫૦ બેઠકોને પાર કરી શકી છે.

આપને ૧૨ ટકા મતશેર ભલે મળ્‍યો હોય પણ તેના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, અલ્‍પેશ ઠાકોર જેવા મોટા માથાઓ ચુંટણીમાં હારી ગયા છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર જ ઝુકાવ્‍યું હતું અને તેનો પ્રચાર પણ આક્રમક રહ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના પણ ઘણા બધા મોટા માથાઓ હારી ગયા છે.

(3:49 pm IST)