Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સૌથી શ્રીમંત ૬ ઉમેદવારોમાંથી ૫ની જીત : ૧ જ હાર્યા

જનતાએ મતોના ઢગલા કર્યા

નવી દિલ્‍હી, તા.૯: ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ડંકો વાગ્‍યો છે. ચોતરફ ભાજપનાં કાર્યકરો જીતનો જશ્‍ન મનાવી રહ્યાં છે ત્‍યારે ગુજરાત ઇલેક્‍શન ૨૦૨૨માં સૌથી ધનીક ઉમેદવારોનું શું પરિણામ આવ્‍યું છે તેના પર એક નજર ફેરવીએ તો કુલ ૭ સૌથી વધુ ધનવાન ઉમેદવારોમાંથી ૬ ઉમેદવારોએ જીત મેળવી છે તો એક ઉમેદવાર હારનો સામનો કરી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવારોમાં સૌથી વધુ ભાજપનાં આશરે ૮૯% ઉમેદવારો એવા છે કે જેમની પાસે ૧ કરોડથી વધુની સંપત્તિ છે જ્‍યારે કોંગ્રેસનાં ૭૩% ઉમેદવારો આ યાદીમાં સમાવિષ્ટ છે. આપણે ટોપ ૬ ઉમેદવારો કે જે આ ચૂંટણીમાં ઊભા હતાં તેમની વાત કરીએ.

ધર્મેન્‍દ્રસિંહ વાઘેલાઃ ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા વાઘોડિયાની સીટ પરથી ઇલેક્‍શન લડ્‍યાં હતાં. સ્‍વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભેલા ધર્મેન્‍દ્રસિંહે જીત હાસિલ કરી છે. સૂત્રો અનુસાર તેમની પાસે ૧,૬૦,૦૦૦થી વધુ જેટલી રોકડ અને ૧૧૧.૯૮ કરોડથી વધુની સંપત્તિ છે. વડોદરા જિલ્લાની વાઘોડિયાની સીટથી તેમણે ભવ્‍ય જીત મેળવી છે.

રમેશ ટીલાળાઃ ભાજપનાં ઉમેદવાર રમેશ ટીલાળા રાજકોટ દક્ષિણની બેઠકથી ચૂંટણી લડી રહ્યાં હતાં જેમણે ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્‍યો છે. રમેશ ટીલાળાનાં મિલકતની વાત કરીએ તો તેમની પોતાની ઘણી શકાય તેની કુલે ૯.૫૧ કરોડ સંપત્તિ છે જ્‍યારે પરિવાર પાસે ૮.૬૩ કરોડ જેટલી સંપત્તિ મેળવી છે. કુલે તેમની પાસે ૧૭૧ કરોડની સંપત્તિ છે.

ઇન્‍દ્રનીલ રાજગુરૂઃ આ ઉમેદવાર પાસે કુલે ૧૬૩ કરોડની સંપત્તિ છે જેમાં તેમના પોતાના નામે ૪૯.૮૨ કરોડ તો પરિવારનાં નામે ૧૭.૦૩ કરોડ સંપત્તિ છે. ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર છે અને આ ચૂંટણીમાં તેમણે રાજકોટ પૂર્વથી હારનો સામનો કર્યો છે. રાજકોટ પૂર્વમાં પણ ભાજપે મોટી જીત મેળવતાં કોંગ્રેસનું પત્તું કપાયું છે.

પાબુભા માણેકઃ ૬૬ વર્ષીય પબુભા માણેક છેલ્લા ૩૨ વર્ષથી ધારાસભ્‍ય છે. તેઓ પહેલીવાર ૩૪ વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્‍યા હતા અને ત્‍યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યાં છે. તેઓ ભૂતકાળમાં ગુજરાતના આરોગ્‍ય મંત્રી પણ રહી ચૂકયા છે. પબુભા માણેક દ્વારકા બેઠકથી ભાજપ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં હતાં અને તેમાં વિજયી પણ બન્‍યાં છે. તેમની સંપત્તિની વાત કરીએ તો પબુભા પાસે કુલે ૧૭૮.૫૮ કરોડની સંપત્તિ હોવાની માહિતી મળી આવી છે. સૌથી ધનીક ઉમેદવારોમાં પબુભા માણેકનું પણ નામ સામેલ છે.

બળવંતસિંહ રાજપુતઃ ભાજપનાં ઉમેદવાર બળવંતસિંહ રાજપુતનું પણ નામ સૌથી વધુ ધનિક ઉમેદવારોની લિસ્‍ટમાં શામેલ છે. ઉંમરે ૫૫ વર્ષીય બળવંતસિંહ ઉદ્યોગો અને ખેતીનાં વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. તેમની સંપત્તિની વાત કરીએ તો તેઓ આશરે ૪૪૭ કરોડની મિલકતનાં માલિક છે. સિદ્ધપુરની બેઠકથી ચૂંટણી લડી રહેલા બળવંતસિંહ રાજપુતની જીત થઇ છે.

જયંતિ પટેલ- જે.એસ. પટેલઃ માણસાનાં અજોલ ગામમાં નિવાસી જે.એસ.પટેલ હવે ૬ અરબ સંપત્તિનાં માલિક છે પરંતુ તેમનું જીવન ખુબ સંઘર્ષમય રહ્યું છે.  એક ખેડૂતનાં રૂપે ખેતરમાં કામ શરૂ કર્યું ત્‍યારે તેમની આવક માત્ર ૧૦૦ રૂપિયા પ્રતિ માહ હતી. પરંતુ આજે ગુજરાતનાં સૌથી મોટા ધનીક ઉમેદવાર તરીકે તેમનું નામ લેવાય છે. આશરે ૬૬૧.૨૯ કરોડનાં માલિક છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક કાર્યો કરી રહ્યાં છે. માણસાની બેઠકથી ભાજપનાં આ ઉમેદવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠક પર ભગવો લહેરાવ્‍યો છે.

(10:19 am IST)