Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

૨૦૧૭માં પાટીદારોએ પોતાનો પાવર બતાવ્‍યા પછી ૨૦૨૨માં ભાજપ સાથે પાછા ફર્યા

૨૦૧૭ની સરખામણીમાં પાટીદારોએ ૨૦૨૨માં ગુજરાતને ખોબલે-ખોબલે મત આપ્‍યા છેઃ કોંગ્રેસને પાટીદારોએ જાકારો આપ્‍યો છે જ્‍યારે આપને પાટીદારોએ કોંગ્રેસ કરતા વધારે બેઠકો આપી છે

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીએ સૌ કોઈને આશ્‍ચર્યમાં મૂકી દીધા છે. મતોની ગણતરી શરુ થઈ ત્‍યારે આંકડો એક્‍ઝિટ પોલ્‍સના આંકડા સુધી સરળતાથી પહોંચી જશે તેવું દેખાઈ રહ્યું હતું પરંતુ જ્‍યારે આ આંકડો ૧૫૦ને પાર થઈને નીચે પાછો ના આવ્‍યો ત્‍યારે ભલભલા રાજકીય પંડીતોને આશ્‍ચર્ય થવા લાગ્‍યું હતું. આવામાં જે પાટીદારો ૨૦૧૭માં ભાજપથી રિસાયા હતા તેઓએ ૨૦૨૨માં ભાજપનો સાથ આપીને ગજબની કમાલ કરી દીધી છે. ગુજરાતમાં પાટીદારોનું પ્રભૂત્‍વ હોય તેવી ૫૨ બેઠકો છે અને તેમાંથી ભાજપના ૪૪ બેઠકો આવી છે જેમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્‍યો છે. જ્‍યારે આપને પાટીદારોના કારણે નેશનલ પાર્ટી બનવામાં મદદ મળી છે.

ભાજપે પાટીદારોના મત ધરાવતી ૫૨માંથી ૨૪ બેઠકો ૨૦૧૭માં ગુમાવી હતી, જ્‍યારે ૨૦૨૨માં આ બેઠકોનો આંકડો ૪૪ પર પહોંચી ગયો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ૫ બેઠકો પર જીત મેળવી છે તેમાંથી ૪ બેઠકો પર પાટીદારોએ જીતાડ્‍યા છે. જેમાં વિસાવદર, જામજોધપુર, બોટાદ અને ગારિયાધારનો સમાવેશ થાય છે.

અહીં રસપ્રદ વાત એ છે કે AAP બોટાદ અને જામજોધપુરમાં પાટીદાર ઉમેદવાર નહોતા ઉતાર્યા છતાં પાટીદારોએ તેમને ખોબલે-ખોબલે મત આપીને જીતાડ્‍યા છે. આ સિવાય જે ત્રણ અપક્ષ ઉમેદવાર જીત્‍યા છે, તેમાં એક બાયડના અપક્ષ ઉમેદવાર દેવેન્‍દ્રસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે.

આમ ભાજપે પાટીદારોનું વર્ચસ્‍વ ધરાવતી લગભગ તમામ બેઠકો ભાજપે જીતી લીધી છે. જ્‍યારે કોંગ્રેસે ૨૦૧૭માં પાટીદારોનું વર્ચસ્‍વ ધરાવતી ૨૩ બેઠકો પર જીત મેળવ્‍યા બાદ આ તેમાં ૨૦નો ઘટાડો થયો છે. જે ત્રણ બેઠકો લુણાવાડા, માણાવદર અને વિજાપુરનો સમાવેશ થાય છે. પાછલા વર્ષે લુણાવાડા બેઠક અપક્ષ ઉમેદવાર દ્વારા જીતવામાં આવી હતી, અને વિજાપુર બેઠક પર ભાજપનો કબજો હતો. ગુજરાતમાં પાટીદારોની વસ્‍તી ૧૨-૧૪% જેટલી છે પરંતુ રાજ્‍યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૩૦% બેઠકો પર તેમના મત નિર્ણાયક સાબિત થતા હોય છે. આ બેઠકો પર પાટીદારોની વસ્‍તી ૨૦% કે તેનાથી વધારે છે.

પાટીદારો રાજ્‍યમાં વિવિધ મહત્‍વના વ્‍યવસાયો સાથે સંકળાયેલા છે, જેમાં હીરા ઉદ્યોગ, ખેતી, એનિમલ હસ્‍બન્‍ડરી, રિયલ એસ્‍ટેટ અને ટ્રેડિંગ સંકળાયેલા છે. પરંપરાગત રીતે પાટીદારોના મત ભાજપને મળતા રહ્યા છે. કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને નીતિન પટેલ જેવા ભાજપે દિગ્‍ગજ નેતાઓ આપ્‍યા છે. જોકે, ૨૦૧૭માં ૨૦૧૨ની સરખામણીમાં ભાજપને ફટકો પડ્‍યો હતો.

વર્ષ ૨૦૧૨માં ભાજપે પાટીદારોનું પ્રભૂત્‍વ ધરાવતી ૩૬ બેઠકો જીતવામાં સફળતા મળી હતી અને કોંગ્રેસે ૧૪ બેઠકો જીતી હતી, જ્‍યારે ૨૦૧૭માં ભાજપની બેઠકો ઘટીને ૨૮ થઈ હતી અને કોંગ્રેસને ૨૩ બેઠકો જીતવામાં સફળતા મળી હતી. યુવાન હાર્દિક પટેલે વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન શરુ કર્યું હતું અને ૨૦૧૬માં પાટીદાર મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે પદ છોડ્‍યું હતું. આ પછી રાજ્‍યમાં વિજય રૂપાણીને મુખ્‍યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે પછી ભૂપેન્‍દ્રભાઇ પટેલ મુખ્‍યમંત્રી બન્‍યા અને તેઓ પાટીદાર ચહેરો છે.

(10:11 am IST)