Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વ્યારામાં આઝાદી બાદ પ્રથમવાર ભાજપની જીત :કોંગ્રેસ પાસેથી સતા આંચકી : ભાજપના મોહન કોંકણીનો વિજય 

ભાજપે વ્યારાથી ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને ટિકિટ આપીને મોટો દાવ રમ્યો અને કોંગ્રેસનો કિલો ધ્વંસ કર્યો : આમ આદમી પાર્ટી બીજા ક્રમે અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં

અમદાવાદ :વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠકોનો રેકોર્ડ તોડ્યો છે.તેમાં સૌથી મહત્વની જીત વ્યારાની પણ સામેલ છે, ભાજપે પહેલીવાર વ્યારામા જીતનો સ્વાદ ચાખ્યો છે. આઝાદી બાદ વ્યારામાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, આ બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી. ત્યારે પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું 2022 ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે.
વ્યારા 171 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણી 22 રાઉન્ડના અંતે 22120 લીડથી જીત્યા છે.વ્યારામા કોંગ્રેસના ઉમેદવાર હાંસિયામાં ધકેલાયા છે. આઝાદી બાદ ભાજપે પ્રથમવાર જીત કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. પરંતું વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી છે. મોહન કોંકણીએ આપના બિપીનચંદ્ર ચૌધરીને હરાવ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં છે.
20 વર્ષમાં પહેલી વખત ગુજરાતમાં ભાજપે વ્યારાથી ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને ટિકિટ આપીને મોટો દાવ રમ્યો હતો. ભાજપાએ મોહન કોકણીને આ સીટ પર કોંગ્રેસનાં પુનાજી ગામીતની સામે ઊભા રાખેલ છે. જે આ સીટથી 4 વખત વિધાયક બન્યા હતા. ત્યારે ભાજપને દાવ ફળ્યો છે. કારણ કે,મોહન કોંકણીએ પુનાજી ગામીતનો કિલ્લો ધ્વસ્ત કર્યો છે.
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી.

(10:12 pm IST)