Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રેસિડેન્ટ તબીબોની ૧ અઠવાડીયા સુધીના હડતાલની મોકુફીના નિર્ણયને આવકારતાં આરોગ્ય મંત્રી

રાજ્યમાં પી.જી. એડમિશનની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યા સુધી ૫૦ % ડૉક્ટરોની ભરતી કરવા ડિનને સત્તા અપાઇ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ:રાજ્યમાં અંદાજે ૫૪૩ તબીબોને રૂ. ૬૩૦૦૦ ના પગાર સાથે હંગામી ધોરણે નિમણુંક અપાશે : પ્રવેશ પ્રક્રિયા પુર્ણ થયા બાદ નિયમિત નિમણુંક કરાશે

અમદાવાદ :રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ચાલી રહેલ રેસિડેન્ટ તબીબોની હડતાળ તેઓશ્રી દ્વારા ૧ અઠવાડીયા સુધી  સ્થગિત કરવામાં આવી છે. તેને આવકારતાં કહ્યુ કે, તબીબોના વ્યાજબી પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે. તબીબોએ પણ માનવિય અભિગમ થકી નાગરિકોની સેવામાં જોડાઇ જવુ જોઇએ. રાજ્યના રેસીડેન્ટ ડોક્ટરોના કામના ભારણને ઘટાડવા રાજ્ય સરકારએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પી.જી. એડમિશનની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યા સુધી ૫૦ % ડૉક્ટરોની ભરતી કરવા ડિનને સત્તા આપવામાં આવી છે.

મંત્રી પટેલે ઉમેર્યુ કે, NEET PG 2021 એડમિશનની પ્રક્રિયા માટે દેશભરમાં રેસિડેન્ટ તબીબો વધુ પડતાં કામના ભારણ સાથે વિરોધ કરી રહ્યા છે તે સંદર્ભે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા સાથે તેમના એસોસિએશન FORDA દ્વારા વાટાઘાટો ચાલી રહી છે. તાજેતરમાં CDS બિપીન રાવતના નિધનના પરિણામે આ એસોશિએશન દ્વારા રેસિડેન્ટ તબીબોની હડતાળ એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે જે આવકાર્ય છે. ગુજરાત સરકારે રાજ્યના રેસિડેન્ટ તબીબોના કાર્યભારણને ઘટાડવા માટે ૬ હોસ્પિટલોમાં ૧૬૫ એમ.બી.બી.એસ. ડોક્ટર્સને ડેપ્યુટ કરેલ છે. આ ઉપરાંત તદ્દન હંગામી ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર જેવા શહેરોમાં NEET ની એડમિશન પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યા સુધી ૫૪૩ થી વધુ રેસિડેન્ટ તબીબોને રૂ. ૬૩૦૦૦ હજારના પગાર સાથે ભરવા ડિનને સત્તા આપવામાં આવી છે. NEET ની એડમિશન પ્રક્રિયા પુર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા જરૂરીયાત મુજબ નિયમિત રીતે જે ભરતી કરવામાં આવે છે તે મુજબ રેસિડેન્ટ તબીબોની ભરતી પણ રાજ્ય સરકાર કરશે.
મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને આરોગ્યની સેવાઓ સત્વરે પુરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦૦૦ સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવેલ છે. સાથે સાથે ૫૦૦ સ્ટાફ નર્સને બઢતી આપવામાં આવેલ છે. તેમજ ૪૦૦ થી વધુ તબીબોની પણ ભરતી/બઢતી કરાઇ છે. 

(9:56 pm IST)