Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વડોદરાના છેવાડાના વિસ્તારમાં પાર્ટી પ્લોટની બહાર કાર રાખી લગ્નમાં ગયેલ પરિવારની કારમાંથી 2.87 લાખ ભરેલ પર્સની ઉઠાંતરી કરી ગઠિયા છનનન....

વડોદરા: શહેરના છેવાડેના બિલ ચાપડ રોડ સ્થિત કાશીબા ફાર્મ હાઉસના પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી કારની ડેકીમાંથી  2.87 લાખ ઉપરાંતની કિંમતના ઘરેણા ભરેલા પર્સની ચોરી કરી અજાણ્યા ગઠિયો ફરાર થઈ ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. ચાલુ લગ્ન પ્રસંગે માઇકમાં એલાઉન્સ થયું કે, પાર્કિંગમાં કારનો કાચ તૂટેલો છે. તપાસ કરતા ચોરી થઇ હોવાની વિગતો બહાર આવી હતી.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે રહેતા જગદીશભાઇ પટેલ ખેતીકામ કરે છે. ગઇકાલે તેઓ પરિવાર સાથે બિલ ચાપડ રોડ ઉપર આવેલા કાશીબા ફાર્મ ખાતે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા.  તે સમયે તેમની કારની ડેકીમાં પર્સ હતું . લગ્ન પ્રસંગમાં માઈકમાં એનાઉન્સ થયું હતું કે, તેમની કારનો કાચ તૂટેલો છે અને તપાસ કરતાં ડેકીમાં રાખેલા પર્સની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે પર્સમાં રૂ. 75 હજારની કિંમતના સોનાના બે પાટલા,  રૂ. 87 હજારની કિંમતનું સોનાનું પેન્ડલ,  રૂ. 25 હજારની કિંમતનો સોનાનો સેટ,  રૂ. 50 હજારની કિંમતનું માથાની બંધી તથા રૂ. 50 હજારની કિંમતની સોનાની ચાર નંગ બુટ્ટી નો સમાવેશ થાય છે. આમ અજાણ્યો ગઠિયો ફાર્મના પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી ડીકીમાં મૂકેલું 2,87,500ની કિંમતના ઘરેણાં ભરેલું પર્સ ચોરી ફરાર થઇ ગયો હતો .

(5:28 pm IST)