Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભાર્ગવ પરીખ અને ચિરંતના ભટ્ટ નચિકેત એવોર્ડ માટે પસંદગી

મોરારિબાપુના હસ્તે એવોર્ડ સુરતમાં અર્પણ થશે

રાજકોટ તા. ૯ : લેખક, પત્રકાર અને વકતા સ્વ. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં સુરત ખાતે કાર્યક્રમ ત્રિવેણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પત્રકારત્વમાં પ્રદાન માટે નચિકેત એવોર્ડ અર્પણ થશે. શ્રી મોરારિબાપુની ઉપસ્થિતમાં સુરતમાં તા.૧પના સવારે ૧૧ વાગ્યે જીવનભરતી સંસ્થાના રંગભવનમાં આ કાર્યક્રમ યોજાશે.

નચિકેત એવોર્ડ માટે અમદાવાદના પત્કાર ભાર્ગવ પરીખ અને મુંબઇમાં ચિરંતના ભટ્ટની પસંદગી થઇ છે. ભાર્ગવ પરીખ ૩૬ વર્ષથી પત્રકારત્વમાં સક્રિય છે. તેઓ અત્યારે બીબીસી અને જન્મભૂમિ જુથમાં કન્ટેન્ટ પ્રોવાઇડર છે. એમણે અગાઉ ગુજરાત મિત્ર, સમભાવ, ચિત્રલેખા, અભિયાનમાં કામ કર્યુ છે. ઝી ટીવી ગુજરાતીમાં આસિસ્ટન્ટ એડિટર રહ્યા હતા. એમણે અનેક બ્રેકથ્રુ અહેવાલો આપ્યા છે.

ચિરંતના ભટ્ટ મીડ ડે. મુંબઇમાં ડીજીટલ એડિટર છે. એમણે અગાઉ બીબીસી અને દિવ્ય ભાસ્કરમાં કામ કર્યું છે અન ેફોર્બ્સ લાઇફ, ન્યુઝ-૧૮ સાથે પણ જોડાયા હતા એટલું જ નહિ પણ રેડિયો અને ટીવીમાં પણ કામ કર્યુ છે. અનેક સેલિબ્રીટીઓના એમણે ઇન્ટરવ્યું લીધા છે. એ લેખક છે, અનુવાદક પણ છે, એમણે નાટકો પણ લખ્યા છે. ૧પ વરસથી તેઓ મીડીયામાં કામ કરે છે.

નચિકેત એડવોર્ડમાં એવોર્ડ અનેરૂ.પ૧,૦૦૦ની રાશિ આપવામાં આવે છે.

ઉકત કાર્યક્રમમાં નગીનદાસ સંઘવી લિખિત બે પુસ્તકોનું વિમોચન પણ થશે. જેમાં 'ઓશો : વિદ્રોહ અને વિવાદ' ની આરપાર અને અંગેજી પુસ્તક 'રાજીવ ગાંધી એ પોલીટીકલ બાયોગ્રાફી'નો સમાવેશ થાય છે. ઉપરાંત સુરતની જાણીતી શિક્ષણ સંસ્થા જીવનભારતીને કોવીડ કાળમાં આર્થિક રીતે મદદરૂપ થનારા શ્રષ્ઠીઓનું પણ સન્માન થશે. જીવનભરતી અને નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે.

(3:30 pm IST)