Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શિયાળામાં પણ લીલા શાકભાજી મોંઘા : ઉંધીયુ બનાવવા વધુ પૈસા ખર્ચવા પડે છે

આગામી ૧૦ દિવસ સુધી ગુજરાતભરમાં શાકભાજીના ભાવ વધારે રહેવાની શકયતા : કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે શાકભાજીમાં પડી ગઇ જીવાત : ઓછા પુરવઠાના કારણે અન્ય રાજ્યોમાંથી મગાવવામાં આવી રહ્યા છે લીલા શાકભાજી

અમદાવાદ તા. ૯ : આ શિયાળામાં બોનફાયરની સાથે ઊંધિયું અને પોંક પાર્ટીનું આયોજન કરી રહ્યા છો? તો શિયાળામાં પણ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા હોવાથી વધારાનો ખર્ચ કરવા માટે તૈયાર રહો.

હાલમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતના સીઝનલ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે- તમારું મનપસંદ ઊંધિયું બનાવવા માટેના મુખ્ય શાકભાજીના ભાવ વધી ગયા છે. દરેક શાકભાજીની છૂટક કિંમત હાલમાં ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિકિલોની વચ્ચે છે.

કૃષિ નિષ્ણાતો કમોસમી વરસાદના કારણે લીલા શાકભાજીના પુરવઠામાં અવરોધને ભાવ વધારા માટે જવાબદાર માને છે. ખેડૂત એકતા મંચના પૂર્વ પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે, 'નવેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પહેલાના લગભગ એક અઠવાડિયા સુધી સતત વાદળછાયા વાતાવરણના કારણે શિયાળાની શાકભાજીની સારી માત્રામાં થયેલી લલણીમાં જીવાતોનો ઉપદ્રવ થયો હતો, જેના કારણે પાકને ઘણું નુકસાન થયું હતું. સીઝન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માગ સાથે, શિયાળામાં થતા લીલા શાકભાજી વધારે મોંઘા થઈ ગયા છે. હજી આગામી દસ દિવસ સુધી ભાવ ઊંચા રહેવાની શકયતા છે.'

ઈંધણમાં થયેલા ભાવ વધારાની અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર પડી અને તેના કારણે શાકભાજીના છૂટક ભાવ પણ વધ્યા, તેમ સાગર રબારીએ ઉમેર્યું હતું. હાલમાં, ઓછા પુરવઠાના કારણે અન્ય રાજયોમાંથી લીલા શાકભાજી મગાવવામાં આવી રહ્યા છે.

એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટીના (એપીએમસી) સેક્રેટરી દીપક પટેલે કહ્યું હતું કે 'કમોસમી વરસાદના કારણે, ઘણો પાક નિષ્ફળ ગયો હતો. આ જ સમયે શિયાળો અને લગ્નની સીઝનના કારણે માગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, મોટાભાગના લીલા શાકભાજીના જથ્થાબંધ ભાવ ઓછામાં ઓછા ૧૫ ટકા જેટલા વધ્યા છે.'

મોટાભાગના કિસ્સાઓમાં છૂટક લીલા શાકભાજીના ભાવ હોલસેલ ભાવ કરતાં લગભગ બમણા છે. 'લીલા અથવા અન્ય શાકભાજીની માગમાં કોઈ ફેરફાર થયો નથી. લોકો શાકભાજી મોંઘા થયા હોવાની ફરિયાદ ચોક્કસ કરે છે પરંતુ માગ પર તેની કોઈ અસર થઈ નથી. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને શાકભાજીના હોલસેલના ભાવમાં ભારે વધારો થયો છે', તેમ વેજલપુરના શાકભાજીના ડીલર જીગ્નેશ શાહે કહ્યું હતું.

(10:13 am IST)