Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નર્સની ફેક ID બનાવી બિભત્સ મેસેજ કરનારની ધરપકડ

નર્સે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી :સોશિયલ મીડિયા પર મૂકેલા વિડીયોમાં નર્સે કરેલી નેગેટિવ કોમેન્ટનો બદલો લેવા ૧૭ વર્ષીય છોકરાની કરતૂત

સુરત,તા.૮ : શહેરના ઉધના વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં નોકરી કરતી ૨૨ વર્ષીય નર્સનું ફેક આઈડી બનાવીને બિભત્સ મેસેજ કરનાર ૧૭ વર્ષીય ટીનએજરની સાયબર ક્રાઈમ ગુનો નોંધીને અટકાયત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ જુદા-જુદા વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકેલા એક વિડીયોમાં નર્સે નેગેટિવ કોમેન્ટ કરતા છોકરાએ બદલો લેવા જતા જેલની હવા ખાવી પડી હતી. જો કે, બાદમાં પોલીસે તેને જામીન પર મૂક્ત કર્યો હતો. સાયબર ક્રાઈમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી છેલ્લા ચાર વર્ષથી ઉધના વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. થોડા સમય પહેલા તેની ફ્રેન્ડે જૂનો મિત્ર નંબર માંગે છે તેવું કહેતા તેણીએ તેનો નંબર માંગી વાત કરી તો મિત્રએ પૂછ્યું કે, તું તારા ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તારો ફોટો મૂકી બિભત્સ લખાણ કેમ મૂકે છે? ત્યારે યુવતીએ આવું કોઈ એકાઉન્ટ ન બનાવ્યું હોવાનું કહી તપાસ કરતા તેનું કોઈએ ફેક આઈડી બનાવીને બિભત્સ મેસેજ લખીને અશ્લીલ ફોટા મોકલ્યા હતા. જેથી તેણીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

          ફરિયાદના આધારે પોલીસે છોકરાની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે વિડીયો બનાવીને જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે. તેમાંના એક વિડીયોમાં નર્સ યુવતીએ નેગેટિવ કોમેન્ટ કરતા તેનો બદલો લેવા માટે આવું કૃત્યું કર્યું હતું. પુના ગામના યુવક સામે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા ધરાવતી ૧૫ વર્ષની છોકરીને કથિત રીતે હેરાન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી જિગ્નેશ ચૌહાણે યુવતીના પિતાને એવી ધમકી પણ આપી હતી કે તે એસિડ એટેક કરશે અને તેને મારી નાંખશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૌહાણે સાત મહિના પહેલા યુવતી સાથે મિત્રતા કરી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે તે ટ્યુશન ક્લાસમાં જતી ત્યારે તેણે તેનો પીછો કરવાનું શરૂ કર્યું. તેની હેરાનગતિથી કંટાળીને છોકરીએ તેના પિતાને કહ્યું જે ચૌહાણને મળ્યા હતા અને તેને તેનાથી દૂર રહેવા કહ્યું હતું. જો કે, ચૌહાણે તેને ધમકી આપ્યા બાદ પિતાએ પુના પોલીસ સ્ટેશનમાં જઈને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચૌહાણની શોધખોળ શરૂ કરીને તપાસ હાથ ધરી છે. તેની સામે પોક્સો એક્ટ અને આઈપીસી ૩૫૪ (મહિલા પ્રત્યે અપમાનજનક)ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

(8:50 pm IST)