Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વધુ સરળીકરણ માટે પોલિસી સુધારા શર થયા : કૌશિક પટેલ

રાજ્યના મહેસુલ વિભાગના સંદર્ભમાં માહિતી અપાઈ : ખારા પાણીની સમસ્યાગ્રસ્ત ગામડાની તરફ ધ્યાન અપાયું

અમદાવાદ,તા.૯ : નિર્ણાયક અને ગતિશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે રાજ્યના તમામ વિભાગોની કામગીરી સરળ, ઝડપી, કોમ્પ્યુટરાઇઝ્ડ અને લોકાભિમુખ બનાવી છે. ખાસ કરીને રાજ્યના મહેસૂલ વિભાગમાં વધુ ઝડપ અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવ્યા છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં તમામ નોંધોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે. ૯૦ દિવસથી વધુ સમયમર્યાદા વાળી એકપણ નોંધ બાકી રહેવા પામેલ નથી તેમ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા  અમરેલી જિલ્લામાં હક્કપત્રક નોધોના નિકાલ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.

             મંત્રીએ કહ્યું હતું કે, આ ઉપરાંત કચ્છ જિલ્લામાં વારસાઇ હક્ક માટે છેલ્લા બે વર્ષમાં તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૧૦,૦૯૬ અરજીઓ આવી હતી જેમાંથી ૧૦,૦૯૫ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. બાકી રહેલ એક અરજી તકરારી હોવા બાબતની જાણકારી આપેલ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ગત તા. ૨૨  નવેમ્બર-૨૦૧૯ના રોજ મહાત્મા મંદિર ખાતે 'મહેસૂલમાં ક્રાંતિ' નામનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મહેસૂલ ક્રાંતિ અંતર્ગત આઈ-ઓઆરએ હેઠળ હક્કપત્રક સહિત વિવિધ ૧૧ પ્રકારની નોંધો કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઇન કરવામાં આવી છે. આજે મહેસૂલ ક્રાંતિ હેઠળ ૬, ૭, ૮ અને ૧૨-અની નોંધો વધુ  સુરક્ષિત બની છે. ૮ કરોડથી વધુ પાનાઓને કોમ્પ્યુટરાઇઝ્ડ કરાયા. ખૂબ જ ઝડપથી એન.એ.ની મંજૂરી અપાય છે.

          આ ઉપરાંત, પ્રજાહિતમાં લોકોની જરૂરિયાત મુજબ આગામી સમયમાં પણ આવશ્યક સુધારા વધારા કરવા અમે કટિબદ્ધ છીએ તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. દરમિયાન પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાટણ જિલ્લાના રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાઓના બાર ગામોના તળમાં ખારા પાણીની સમસ્યાને લઇ સ્થાનિકોને પીવાનું  સ્વચ્છ અને પીવાલાયક પાણી પુરૂ પાડવા ૪૫૫ લાખના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા જૂન-૨૦૨૦ સુધીમાં પુરૂ પડાશે તેમ જણાવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાના ગામોના તળના ખારા પાણીના  પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યુ હતું કે, આ ત્રણેય તાલુકાના ૪૧ ગામોના પાઇપલાઇનથી પાણી પુરૂ પાડવામાં  આવે છે. પરંતુ, બાર ગામોમાં ક્ષારનું પ્રમાણ વધુ છે ત્યાં પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા જૂન-૨૦૨૦ સુધી પીવાલાયક સ્વચ્છ પાણી પરૂ પાડવામાં આવશે, એટલું જ નહીં, પાઇપલાઇન દ્વારા પુરૂ પાડવામાં આવશે. પાણીની પાઇપો ક્ષતિગ્રસ્ત હોય તો તેની ચકાસણી કરાશે અને જરૂર પડ્યે રીપેર પણ કરાશે.

(9:29 pm IST)