Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અમદાવાદ શહેર-જિલ્લામાં બે વર્ષોમાં ૧૩૯૭ મોત થયા

ગુજરાત વિધાનસભામાં માહિતી આપવામાં આવી : અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે માર્ગ અકસ્માતમાં ૪૧૬ના મોત થયા : અકસ્માતોને રોકવા સરકાર પ્રતિબદ્ધ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતથી કુલ ૧૩૯૭ લોકોના મોત થયા છે. જ્યારે ગાંધીનગરમાં બે વર્ષમાં ૪૬૩ લોકોના મોત થયા છે. આજે શરૂ થયેલા વિધાનસભાના શિયાળું સત્રમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના સવાલના જવાબમાં આ માહિતી સામે આવી હતી. વિપક્ષ કોંગ્રેસ તરફથી માર્ગ અક્સ્માતમાં નિર્દોષ વ્યકિતઓના મોતને લઇ ભારે ચિંતા પણ વ્યકત કરવામાં આવી હતી.  ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમિયાન કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૮માં વાહન અકસ્માતમાં ૩૧૩ના મોત થયા હતા, જ્યારે ૨૦૧૯ના નવેમ્બર મહિના સુધીમાં ૪૧૬ના મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૨૦૧૮માં ૩૧૮ અને ૨૦૧૯ નવેમ્બર સુધી ૩૦૭ લોકોના મોત થયા છે. આ જ પ્રમાણે ગાંધીનગરમાં વર્ષ ૨૦૧૮માં માર્ગ અકસ્માતમાં ૨૪૯ ના મોત થયા છે, જ્યારે ૨૦૧૯ નવેમ્બર સુધીમાં ૨૧૪ લોકોના મોત થયા છે. વિપક્ષ કોંગ્રેસે માર્ગ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોતને લઇ ચિંતા વ્યકત કરી આ મામલે રાજય સરકારને જરૂરી પગલાં લેવા પણ અનુરોધ કરાયો હતો.

          દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં વાહનોથી થતા માર્ગ અકસ્માતથી માનવ મૃત્યુ ઘટે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ ઘટે અને માનવીના જીવ બચે એ માટે સ્થળ મુલાકાત લઇ જરૂરી સૂચનો કરવા સારૂ પોલીસ, આર.ટી.ઓ. અને માર્ગ-મકાન વિભાગની સંયુક્ત ટીમો કાર્યરત છે. આ ટીમ દ્વારા રાજ્યમાં ૪૯૮ જેટલા સ્થળોની મુલાકાત લઇ વિવિધ સૂચનો કરાયા છે. આજે વિધાનસભા ખાતે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વાહન અકસ્માતથી થયેલ મૃત્યુના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ કહ્યું કે રસ્તા પર થતા અકસ્માત થી  કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એ સમગ્ર પરિવાર માટે દુઃખદ ઘટના હોય છે, એ માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને એ માટે પૂરતી તકેદારી પણ સરકાર રાખશે. તેમણે ઉમેર્યું કે, માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક નિયમન માટેના વિવિધ પગલાં લઇ તે માટે નિયમિત રીતે સમીક્ષા પણ કરવામાં આવે છે.

             પોલીસ, આર.ટી.ઓ. અને માર્ગ- મકાન વિભાગના અધિકારીઓની બનાવેલ સંયુક્ત ટીમો દ્વારા અકસ્માત સ્થળની વીઝિટ કરી ધ્યાને આવેલી ખામી / મુદ્દાઓ અંગે સંબંધિત વિભાગ / એજન્સી દ્વારા આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. સંયુકત ટીમ દ્વારા ફેટલ અકસ્માત સ્થળની વિઝીટ કરી અકસ્માત થવાના સચોટ કારણોની તપાસ કરવામાં આવે છે. આ ટીમ દ્વારા અકસ્માતમાં મુખ્ય કારણો જેવા કે, માનવ ભુલ, વાહનની યાંત્રિક ખામી, રોડ ડીઝાઇનની ખામી કે અન્ય કારણો અંગે વૈજ્ઞાનિક ઢબે એનાલીસીસ કરી અકસ્માત થવાના તારણોનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. સંયુકત ટીમ દ્વારા ગંભીર અકસ્માતનો વિઝીટ રીપોર્ટ સ્થાનિક રોડ સેફટી કમિટિ તથા રાજય કક્ષાની રોડ સેફટી ઓથોરીટીને મોકલી આપવામાં આવે છે. શહેર/જિલ્લા તેમજ રાજય કક્ષાએ ઉપરોક્ત અહેવાલો સંકલિત કરી વારંવાર અકસ્માત બનતા હોય તેવા સ્થળો (અકસ્માતગ્રસ્ત વિસ્તાર) નક્કી કરી આવા સ્થળોએ અકસ્માત ઘટાડવા સારૂ જરૂરી સુધારા-વધારા/રીપેરીંગ કરાવવામાં આવે છે. જાડેજાએ ઉમેર્યું કે અકસ્માતોનું પ્રમાણ ઘટે અને માનવ જીવન બચાવી શકાય તે માટે ટ્રાફિક સિગ્નલ બનાવવા રોડ ર્માકિંગ, બ્લેક સ્પોટ દુરસ્ત કરવા, ટ્રાફિક પોઇન્ટ જાહેર કરવા, ટ્રાફિક અંગેના દબાણો દૂર કરવા જેવી કાર્યવાહી હાથ ધરાય છે.

            નાગરિકોને ટ્રાફિક નિયમો તેમજ રોડ એકમ અંગે જાણકારી મળે અને જાગૃત્તિ આવે તે માટે રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેશ અને ટ્રાફિક એજ્યુકેશન તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. વાહનોની વધુ ગતિને કારણે થતા અકસ્માતો ઘટાડવા માટે રાજ્યના શહેરી - જિલ્લામાં સ્પીડ લીમીટનું જાહેરનામું પણ બહાર પડાયુ છે. સ્કૂલ વાન ચેકીંગ તેમજ વારંવાર ટ્રાફિક નિયમના ભંગ બદલ ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરાય છે, તથા રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે જરૂરી સૂચનો કરવા સારૂ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકો યોજાય છે અને રાજ્યમાં રોડ અકસ્માત, ટ્રાફિક નિયમન તથા ટ્રાફિક એમ્ફોર્સમેન્ટ તેમજ ટ્રાફિક જાગૃત્તિ અંગે કામગીરી કરાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(8:51 pm IST)