Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુજરાતમાં ભાજપના શાસનમાં ક્રૂર સરમુખત્યારશાહી : અમિત ચાવડા

અમિત ચાવડાના કપડાં ફાટ્યા, ફાટેલા કપડે ગૃહમાં : સરકાર બંધારણને બાજુ પર મૂકીને ચાલી રહી છે : અમિત ચાવડા

અમદાવાદ, તા. ૯ : આજથી ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભના પહેલા દિવસે જ કોંગ્રેસ દ્વારા આજે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો વચ્ચે જોરદાર ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે દરમ્યાન એક તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કપડાં ફાટ્યા હતા. એ જ હાલતમાં તેમની અટકાયત કરાઈ હતી. ત્યારબાદ તેમને મુક્ત કરાતા તેઓ ફાટેલા કપડાં પહેરેલી હાલતમાં જ વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં ક્રૂર સરમુખત્યારશાહી આચરાઇ રહી છે, મહિલાઓ, બાળકો અને સામાન્ય લોકો પર સત્તાનો જોરે અત્યાચાર થઇ રહ્યા છે અને લોકોનું જીવવુ મુશ્કેલ બન્યું છે.

        પોલીસે અટકાયત બાદ મુક્ત કરાયેલા અમિત ચાવડા ફાટેલા કપડાંમાં જ વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા. તેમણે વિધાનસભાના પ્રાંગણમાં મીડિયાને જણાવ્યું હતું કે, બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સહિતના વિવિધ પ્રશ્નોને લઇ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા કૂચનો કાર્યક્રમ અપાયો હતો. સાથે સાથે આર્થિક પાયમલ થયેલા ખેડૂત માટે લડી રહ્યા છે ત્યારે પાક વીમા તેનો અધિકારી છે ત્યારે ખેડૂતોના હક અધિકાર. મહિલા પર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, બળાત્કારના બનાવો વધી રહ્યા છે. ત્યારે મહિલાઓના સુરક્ષા અને સ્વમાનની વાતને લઈને, છ હજારથી વધારે પ્રાથમિક શાળાઓ બંધ કરી સરકાર શિક્ષણનું નખ્ખોદ વાળવા બેઠી છે ત્યારે શિક્ષણની વાતને લઈને, મંદી, મોંઘવારી અને ચારેય તરફ વ્યાપેલા ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાની વેદનાને વાચા આપવા વિધાનસભા કૂચ કરી રહ્યા હતા ત્યારે સરકારે પોલીસને આગળ કરીને લોકો પર દમન ગુજારવામાં આવ્યું છે. સરકારના ઇશારે પોલીસ દ્વારા બહુ ક્રૂરતાપૂર્વક અત્યાચાર થયો છે. લાઠીઓ મારવામાં આવી છે, પાણી મારવો કરવામાં આવ્યો છે, કપડાં ફાડવામાં આવ્યા છે. અનેક બહેનો સાથે દુર્વ્યવહાર થયો છે.

          પત્રકાર મિત્રોને પણ ઘક્કે ચડાવવામાં આવ્યા છે. એવા સંજોગોમાં સરકાર કોઈનો અવાજ સાંભળવા નથી માંગતી, કોઈએ તેમની સામે બોલે નહીં એવું અત્યાચારી અને સરમુખત્યારશાહી શાસન ચાલી રહ્યું છે. ગઈકાલ રાતથી જ અલગ અલગ આગેવાનોને ઘરે પોલીસને મોકલીને ઘરપકડ કરવામાં આવી હતી. આખા ગુજરાતમાંથી ગાંધીનગર આવતા લોકોને પોલીસ રોકી રહી છે. શું બંધારણે લોકોને પોતાની વાત કહેવાનો અધિકાર નથી આપ્યો? શું બંધારણે પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર નથી આપ્યો? શું બંધારણ મુજબ કોઈ વ્યક્તિ પોતાનો વિરોધ વ્યક્ત ન કરી શકે? પોતાની વાત રજૂ ન કરી શકે? પોતાનો વિચાર રજૂ ન કરી શકે? તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર બંધારણને બાજુ પર મૂકીને અંગ્રેજોના રાહે ચાલીને સરમુખત્યારશાહીનું શાસન કરી રહી છે.

          આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ ગુજરાતના લોકો અંગ્રેજોથી નથી ડર્યા તો ગોરા સામેની લડાઈ પણ અહીંથી લડ્યા હતા. નવા અંગ્રેજો સામેની લડાઈ ગુજરાતથી જ લડાશે અને સરમુખત્યારશાહી શાસનમાંથી પ્રજાને મુકત કરાવાશે. દરમ્યાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, કોંગ્રેસે આ કૂચ માટે મંજૂરી માંગી હતી પરંતુ છેલ્લી ઘડીએ કોના ઇશારે મંજૂર રદ કરી દેવામાં આવી. શું લોકશાહી પ્રણાલિમાં લોકોને પોતાનો વિરોધ વ્યકત કરવાનો અધિકાર નથી. આ સરકાર સત્તા અને પોલીસના જોરે પ્રજાનો અને પ્રજાના પ્રતિનિધિઓનો અવાજ દબાવવાનો હીન પ્રયાસ કરી રહી છે.

(8:48 pm IST)