Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બિનસંસદીય ભાષાના ઉપયોગ બદલ જીગ્નેશ મેવાણી ગૃહમાંથી બહાર

મુખ્યમંત્રીએ જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ મુક્યો : ગૃહ રાજ્યપ્રધાન-શિક્ષણમંત્રીએ ટેકો આપતા સસ્પેન્ડ થયા

અમદાવાદ, તા.૯: ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઇ રાજકારણ ભારે ગરમાયું હતું. જીગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા વિસ્તારમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. ગુજરાત સરકાર દ્વારા ત્રણ દિવસીય ટુંકા સત્રમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત દરમ્યાન અયોગ્ય વર્તન કરવાનાં કારણે મુખ્યમંત્રી ઉપરાંત તમામ નેતાઓએ તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પ્રવચન દરમ્યાન સુરેન્દ્રનગરની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

                જીગ્નેશ મેવાણીએ મનુસ્મૃતિમાં દર્શાવેલી વૃત્તિની વાત કરી હતી. જો કે, તેમણે જે પ્રકારનું વર્તન કર્યું તેના અનુસંધાનમાં, મુખ્યમંત્રીએ જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મુખ્યમંત્રીએ મુકેલા પ્રસ્તાવને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો. સાથે સાથે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મુખ્યમંત્રીના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો અને ત્રણ દિવસ માટે તેને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. જો કે, મેવાણીએ પોતાનું ઉગ્ર વર્તન ચાલુ રાખતાં અધ્યક્ષે સાર્જન્ટને બોલાવી તેમને ગૃહની બહાર કર્યા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથેનું તેમનું વર્તન સમગ્ર સભાગૃહનું અપમાન સમાન હોવાનો ભાજપના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. બાદમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા જીગ્નેશ મેવાણીને ત્રણ દિવસ માટે એટલે કે, સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા હતા.

(8:52 pm IST)