Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દુષ્કર્મ કેસ : બે સગા ભાઇની દસ વર્ષની સજા સ્થગિત થઇ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ હુકમ કરાયો : દિયોદર સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને દસ વર્ષની સખત કેદ ફટકારી હતી : હાઇકોર્ટે બંને ભાઈઓને જામીન આપ્યા

અમદાવાદ, તા.૯ : બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા ગામે યુવતીને ભરબજારમાંથી ઉઠાવી જઇ દુષ્કર્મ આચરવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં દસ વર્ષની સજા પામેલા બે સગા ભાઇઓએ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ અપીલ કરી નીચલી કોર્ટના સજાના હુકમને પડકાર્યો છે, જેમાં આરોપી ભાઇઓ તરફથી જામીન અરજી પણ દાખલ કરાઇ હતી. હાઇકોર્ટના જસ્ટિસ આર.પી.ઢોલરિયાએ બંને ભાઇઓની અપીલ દાખલ કરી હતી અને તેઓને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે કેસની કેટલીક હકીકતો અને વિગતો ધ્યાનમાં લઇ નીચલી કોર્ટે તેઓને ફટકારેલી દસ વર્ષની સજાને સ્થગિત કરતો હુકમ પણ કર્યો હતો. હાઇકોર્ટે બંને આરોપી ભાઇઓને અદાલતની પરવાનગી વિના ભારતની હદ નહી છોડવા, પીડિતા જે જગ્યાએ રહે છે તે વિસ્તારની હદમાં પ્રવેશ નહી કરવા અને પાસપોર્ટ જમા કરાવવા સહિતની આકરી શરતો સાથે રૃ.પંદર હજારના શરતી જામીન આપ્યા હતા.

          ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં આરોપી ભાઇઓ વિક્રમ હરચંદભાઇ ચૌહાણ અને દિનેશભાઇ હરચંદભાઇ ચૌહાણ તરફથી કરાયેલી અપીલમાં એડવોકેટ એચ.બી.ચંપાવતે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં પીડિતાએ કરેલી ફરિયાદ વિલંબથી થયેલી છે અને ફરિયાદના ઘણા આક્ષેપો અને વાતો વિરોધાભાસી અને ઉપજાવી કાઢેલી છે. જે હકીકત ટ્રાયલ કોર્ટે અવગણી છે, તે યોગ્ય ના કહી શકાય. પીડિતાએ આરોપીઓ પર તેણીને ભરબજારમાંથી ઉઠાવી ગયાનો આક્ષેપ કર્યો છે અને ત્યારે પીડિતાએ કોઇ બૂમાબૂમ નહોતી કરી તેવું ખુદ તેના નિવેદનમાં જણાવ્યું છે ત્યારે જો ભરબજારમાં કોઇ યુવતીને ઉઠાવવામાં આવે તો સામાન્ય લોકો પણ તેનો વિરોધ કરે અથવા તો આવું ગુનાહિત કૃત્ય થતુ અટકાવે તે સ્વાભાવિક છે, તેથી પણ યુવતીના આરોપ  ખોટા અને વાહિયાત ઠરે છે. વળી, આ કેસના એક આરોપી દશરથ બુકોલીયા સાથે યુવતી અગાઉ ભાગી ગઇ હતી અને તેની સાથે લગ્ન કર્યા હોવાની વાત પણ સામે આવી છે.

             બાદમાં હેબીયર્સ કોર્પસની સુનાવણીમાં યુવતી તેની મરજીથી તેના માતા-પિતા સાથે જતી રહી હતી અને બાદમાં અરજદાર સહિતના આરોપીઓને આ કેસમાં ખોટી રીતે સંડોવી દીધા છે. વાસ્તવમાં પીડિતાના નિવેદન સિવાય આરોપીઓને આ કેસમાં સંડોવતા કે પીડિતાની વાતને સમર્થન આપતાં કોઇ પુરાવા રેકર્ડ પર આવ્યા નથી. આ સંજોગોમાં કોર્ટે આરોપીઓની સજા અપીલની આખરી સુનાવણી ના થાય ત્યાં સુધી સ્થગિત કરવી જોઇએ અને તેઓને જામીન પર મુકત કરવા જોઇએ. એડવોકેટ એચ.બી.ચંપાવત તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે બંને આરોપી ભાઇઓને નીચલી કોર્ટે ફટકારેલી દસ વર્ષની સજા સ્થગિત કરી હતી અને તેઓને શરતી જામીન પર મુકતકર્યા હતા. હાઇકોર્ટે આરોપીઓની અપીલ પણ એડમીટ કરી હતી.

શું હતો દુષ્કર્મનો કેસ

અમદાવાદ, તા. ૯ : ગત તા.૭-૮-૨૦૧૫ના રોજ ગામમાં દૂધ ભરાવીને પીડિત યુવતી ચાલતા પોતાના ઘેર આવતી હતી ત્યારે આરોપી દશરથ ચેલાભાઇ બુકોલીયા, પ્રકાશ ઉર્ફે પરખા કેલાભાઇ બુકોલીયા, તેના સંબંધી વિક્રમ હરચંદભાઇ ચૌહાણ અને દિનેશભાઇ હરચંદભાઇ ચૌહાણે ભેગા મળીને તેણીને આંતરી હતી અને ચરેડામાં ખેંચી ગયા હતા. જયાં આરોપીઓને તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી, આરોપીઓએ તેણીના ફોટા મોબાઇલમાં પાડી તેને ધમકી આપી હતી કે, આ વાત કોઇને ના કરતી, નહી તો તને બદનામ કરી દઇશું અને જાનથી મારી નાંખીશુ. એ પછી પણ પીડિતાના આક્ષેપ મુજબ, તા.૧-૨-૨૦૧૬ના રોજ પણ આરોપીઓએ ભરબજારમાંથી તેણીને ઉઠાવી ફરી વાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ચકચારભર્યા આ કેસમાં દિયોદર સેશન્સ કોર્ટે તા.૬-૯-૨૦૧૯ના રોજ ત્રણ આરોપીઓને દસ વર્ષની આકરી સજા ફટકારતો હુકમ કર્યો હતો. જયારે આરોપી પ્રકાશ બુકોલીયા કેસ ચાલવા દરમ્યાન ગુજરી ગયા હોઇ તેની વિરૃધ્ધનો કેસ પડતો મૂકાયો હતો.

(8:25 pm IST)