Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું સ્વાગત સામૈયું, અન્નકૂટ, આશીર્વાદ

હિન્દ મહાસાગર તટે શ્રીહરિજીને પંચામૃતથી અભિષેક, રંગોત્સવ, સમુદ્ર સ્નાન, કેન્યા રાષ્ટ્રના રમત ગમત મંત્રી, પોલીસ સાર્જન્ટ, મોમ્બાસા એરપોર્ટ સિક્યુરિટી ઇન્ચાર્જ, પોલીસે એસ્કોર્ટ વગેરે પામ્યા દર્શન

( વંદના નીલકંઠ વાસુકિયા  દ્વારા ) વિરમગામ : સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર - વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય - સૌપ્રથમ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આજથી ૭૧ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા હિન્દ મહાસાગર તટે - બંદરે તા. ૧૬-૪-૧૯૪૮ ને શુક્રવારના શુભ દિને પધાર્યા હતા.

  કેન્યા રાષ્ટ્રનું મોમ્બાસા બંદર "વેપારીઓનું શહેર" તરીકે સેંકડો વર્ષોથી સુપ્રસિદ્ધ છે.

મોમ્બાસા દરિયાકિનારા એ પૂર્વ અને મધ્ય આફ્રિકા વચ્ચેનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે, જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક બનાવે છે. મોમ્બાસા પોર્ટ વિશ્વભરમાં એસિસી બંદરોને જોડે છે તેમજ યુગાન્ડા, રવાંડા, બરુન્ડી, કોંગોના પૂર્વીય લોકશાહી પ્રજાસત્તાક, ઉત્તરીય તાન્ઝાનિયા, દક્ષિણી સુદાન, સોમાલિયા અને ઇથોપિયા સહિતના અન્ય ઘણા હાઈટેરલેન્ડ્સ સાથે જોડાય છે.

    અનેક વિવિધતાઓથી સમૃદ્ધ કેન્યાના મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ નાઈરોબીથી હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોમબાસા પધાર્યા હતા. એરપોર્ટથી પોલિસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. મોમ્બાસા  પધારતાં હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નાનાં નાનાં ભૂલકાંઓએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી હતી અને સ્વાગત  કેક કટિંગ કરી ભગવાનને ધરાવવામાં આવી હતી. 

    સાત દિવસીય પાવનકારી સત્સંગ વિચરણ દરમ્યાન સ્વામીબાપા પ્રાર્થના હોલમાં નૂતન સિંહાસનમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી, અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને નિરાજન - આરતી પણ કરવામાં આવી હતી. આ પાવન અવસરે સ્વાગત સામૈયુ કરવામાં આવ્યું હતું. તો વળી શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો કરવામાં આવી હતી. વળી, હિન્દ મહાસાગરના તટે શ્રીઠાકોરજીને પંચામૃતથી અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો તેમજ રંગોત્સવ અને સમુદ્રસ્નાન પણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ અનેરા ઉત્સાહથી લાભ માણ્યો હતો. સ્થાનિક તેમજ દેશી પરદેશી અનેક ભાવિકો પણ ઉમંગભેર જોડાયા હતા. નાનાં નાનાં ભૂલકાંઓથી લઈને વૃદ્ધો સુધીના હરિભક્તોએ પણ ગમ્મત સાથે જ્ઞાન - સત્સંગ રમતોત્સવનો અનેરો આનંદ માણ્યો હતો.

(7:28 pm IST)