Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કતારગામ નજીક રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બઠેલા ગઠિયા મહિલાના ગળામાંથી 85 હજારનું મંગળસૂત્ર ઝૂંટવી ફરાર

સુરત: કતારગામ ચીકુવાડીથી રીક્ષામાં બેસી વેડ રોડ જતી વૃધ્ધાના ગળામાંથી સહમુસાફરના સ્વાંગમાં સવાર ગઠિયાઓ રૃ. 85 હજારની મત્તાનું મંગળસૂત્ર તફડાવી ગયા હતા.વેડ રોડ સ્થિત અખંડ આનંદ સ્કુલની સામે ત્રિલોક નગર સોસાયટીમાં રહેતા અને નાના બાળકોને માલીશ કરી નવડાવવાનું કામ કરતા સુશીલાબેન વસંતભાઇ જાદવ (ઉ.વ. 60) શનિવારે 10-30 વાગ્યાના અરસામાં કતારગામ ચીકુવાડી ખાતે માલીશ કરવા માટે ગયા હતા. જયાંથી પરત ઘરે આવવા કતારગામ ઘનમોરા ચાર રસ્તા પાસેથી રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં અગાઉથી જ ત્રણ મુસાફરો સવાર હતા. વેડ રોડ પર સરદાર હોસ્પિટલ આવતા સુશીલાબેને રીક્ષા ઉભી રખાવી હતી ત્યારે ભાડું આપવા માટે પર્સ કાઢયું હતું. પરંતુ રીક્ષા ચાલકે ભાડુ લેવાની ના પાડી રીક્ષા પુરઝડપે હંકારી ડભોલી ચાર રસ્તા તરફ ચાલ્યો ગયો હતો. સુશીલાબેન ભાડું આપવા માટે કાઢેલું પર્સ મુકવા ગયા ત્યારે તેમની નજર પડી તો ખબર પડી કે, ગળામાંથી મંગળસૂત્ર ગાયબ છે. જેથી તેઓ ચોંકી ગયા હતા અને બુમાબુમ કરી હતી પરંતુ રીક્ષા ચાલક ભાગી ગયો હતો. રીક્ષામાં અગાઉથી જ સહમુસાફરના સ્વાંગમાં સવાર ત્રણ ગઠિયાઓએ ચાલાકી પૂર્વક રૃ.85 હજારની મત્તાનું સોનાનું મંગળસૂત્ર તફડાવી લીધું હતું. ઘટના અંગે સુશીલાબેને ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

(5:30 pm IST)