Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચેક બાઉન્સ કેસમાં આણંદની અદાલતે સામરખાના શખ્સને એક વર્ષની કેદ

આણંદ:એક લાખના ચેક બાઉન્સ કેસમાં આણંદની અદાલતે સામરખાના શખ્સને તકશીરવાર ઠેરવીને એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સારસા ખાતે રહેતા સુનીલભાઈ રમેશભાઈ પટેલ વૃંદા ફાયનાન્સના નામેથી ધંધો કરે છે. તેમને ત્યાંથી સામરખા ગામે રહેતા સંજયકુમાર મનુભાઈ પરમાર અવાર-નવાર ફાયનાન્સથી નાણાં લેતા હતા. દરમ્યાન તેમને સામાજીક કામે એક લાખ રૂપિયાની જરૂરત પડતાં એક લાખ રૂપિયા લીધા હતા. જેની સમયસર ચુકવણી ના કરતાં સુનીલકુમારે ઉઘરાણી કરી હતી. જેથી સંજયકુમારે એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે નિયત તારીખે ભરતા અપુરતા બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જે અંગે કાનુની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આણંદની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી બીજા એડી. સીનીયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ સોનલબેન બી. મહેતા સમક્ષ ચાલી ગઈ હતી. જેમાં ફરિયાદ પક્ષના વકિલે કરેલી દલિલો તેમજ રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને સંજયકુમાર પરમારને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ના હોય તેના વિરૂધ્ધ સજાના હુકમની અમલવારી માટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈસ્યું કરવામાં આવ્યું હતુ.

(5:30 pm IST)