Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

તસ્કર ટોળી આણંદ જિલ્લામાં સક્રિય: મધ્યરાત્રે બે મકાન પર તરાપ: પોણા લાખનો સમાન ચોરી

આણંદ :શિયાળાની કાતિલ ઠંડીનો પ્રારંભ થતા જ હવે તસ્કર ટોળી આણંદ જિલ્લામાં સક્રિય થઈ ગઈ છે. ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પેટલાદ તાલુકાના શાહપુર ગામે ત્રાટકીને તસ્કર ટોળીએ બે મકાનોને નિશાન બનાવીને એક મકાનમાંથી ૮૦ હજારની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ધર્મેશભાઈ મગનભાઈ ઠાકોર શાહપુર ગામની જલારામ સોસાયટીમાં રહે છે. ગઈકાલે મધ્યરાત્રીના સુમારે તેઓ જમી પરવારીને સુઈ ગયા હતા ત્યારે દોઢ વાગ્યા બાદ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બારીની ગ્રીલ તોડી નાંખીને અંદર ઘુસ્યા હતા અને તિજોરી તેમજ ડ્રોવરો ખોલી નાંખીને અંદરથી સોનાનો ત્રણ તોલા વજનનો હાર, દોઢ તોલા લક્કી, ત્રણ ગ્રામની કડી, ચાંદીના ત્રણ સિક્કા તેમજ બે બીસ્કીટ વગેરે મળીને કુલ ૮૦ હજારની મત્તા ચોરી કરી લીધી હતી. ત્યારબાદ તસ્કરોએ નજીકમાં રહેતા ભરતભાઈ છોટાભાઈ પટેલના ઘરના દરવાજાનો નકુચો તોડી નાંખીને અંદર ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાંથી કાંઈપણ ચોરાવા પામ્યુ નહોતુ. સવારે ચોરીની જાણ થતાં જ તુરંત જ પેટલાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)