Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અમદાવાદમાં બાયોમેટ્રિક અને આધાર કાર્ડના ડેટા આધારે રબરપ્રિન્ટ બનાવીને વેચવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશઃ ભેજાબાજ ભરત ચૌધરી સહિત ૨ ઝડપાયા

અમદાવાદઃ અમદાવાદ સાઈબર ક્રાઈમે બાયોમેટ્રિક અને આધારકાર્ડના ડાટાના આધારે રબરપ્રિન્ટ બનાવીને તેને વેચવાનું એક મસમોટું કૌભાંડ પકડી પાડ્યું છે. સાયબર ક્રાઈમ દ્વારા કૌભાંડ ચલાવનારા ભેજાબાજ ભરત ચૌધરી સહિત તેના બે સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની વધુ તપાસ હાથ ધરી છે.

સરકારની અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ

અંગે વિગતો આપતા સાયબર ક્રાઈમના સ્પે. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, "લોકોનો બાયોમેટ્રિક ડાટા મેળવીને તેમના નામે આવતું સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું એક મોટુ કૌભાંડ પકડાયેલા લોકો ચલાવતા હતા. સાયબર ક્રાઈમને કૌભાંડની બાતમી મળતાં તેણે વિસ્તૃત તપાસ કરીને મુખ્ય ભેજાબાજ ભરત ચૌધરી અને તેના બે સાથીદાર ધવલ પટેલ અને દુષ્યંત પરમારની ધરપકડ કરવામાં આવી છે."

કેવી હતી મોડસ ઓપરેન્ડી?

અજય તોમરના જણાવ્યા અનુસાર, "પકડાયેલા આરોપીઓએ ગુજરાતના 40 જેટલા રેશનિંગ દુકાનધારકો પાસેથી તેમનાં ગ્રાહકોની બાયોમેટ્રિક અને આધારકાર્ડની માહિતી મેળવી લેવામાં આવી હતી. માહિતીના આધારે તેમણે વિવિધ ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરીને રેશનિંગ કાર્ડધારકોના બાયોમેટ્રીક ડાટાના આધારે તેમની રબર પ્રિન્ટ બનાવી હતી. રબરપ્રિન્ટને તેઓ વિવિધ રેશનિંગ દુકાનચાલકોને વેચતા હતા. તેનો ઉપયોગ કરીને રેશનિંગ દુકાનધારકો કાર્ડધારકને મળતું અનાજ બારોબાર વેચી નાખતા હતા."

સાયબર ક્રાઈમના સ્પેશિયલ પોલિસ કમિશનર અજય તોમરે વધુ વિગતો આપતા જણાવ્યું કે, "પોલીસ દ્વારા પકડવામાં આવેલા 3 આરોપીમાંથી ભરત ચૌધરી ષડયંત્રનો માસ્ટર માઈન્ડ છે. તે અગાઉ પણ રેશનીંગના ખોટા બિલ બનાવી અનાજનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેણે છેલ્લા 8 મહિનાથી બનાવટી રબર પ્રિન્ટના આધારે અનાજનું કૌભાંડ શરૂ કર્યું હતું. ભરત ચૌધરી એક રબર પ્રિન્ટ રૂ. 15માં તૈયાર કરી દુકાનદારોને રૂ. 300 થી રૂ. 700માં વેચતો હતો. ભરત મોટાભાગે ભુજ, ભચાઉ, ભાભર, જુનાગઢ સહિતના અંતરિયાળ જીલ્લાઓનાં રેશનીંગ ધારકોનો બાયોમેટ્રિક ડાટા મેળવી કૌભાંડ આચરતો હતો. કૌભાંડ આચરવા માટે બનાવટી ચિપ્સ કેવી રીતે બનાવવી તેની માહિતી તેણે youtube પરથી મેળવી હોવાનું પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું છે."

આરોપીએ બે વેબસાઈટ અને એક મોબાઈલ એપ્લિકેશન બનાવી

અજય તોમરે વધુ વિગતો આપતા જણાવ્યું કે, "આરોપીએ ગુજરાત ઉપરાંત હરિયાણામાં પણ સરકારી યોજનાના નામે વીસ હજાર લોકોનો ડેટા એકઠો કર્યો હતો. માટે તેણે 2 વેબસાઈટ પોર્ટલ અને એક મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી હતી. 'જય ભારત' તથા 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' નામની બનાવટી વેબસાઇટ બનાવી આરોપી આધાર કાર્ડનો ડાટા એક્ઠો કરતો હતો.

1300 ફિંગર પ્રિન્ટ કબજે લીધી

પોલીસે અત્યારે આરોપીઓ પાસેથી 1300 જેટલી ફિંગર પ્રિન્ટ કબજે કરી છે. સાથે   રબર પ્રિન્ટ બનાવવા ઉપયોગમાં લેવાતો માલ સામાન પણ કબજે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ 50 હજાર કરતાં વધુ નકલી બાયોમેટ્રિક રબર પ્રિન્ટ બનાવીને દુકાનદારોને વેચી હોવાનું જણાવ્યું છે. પોલીસે હવે ગરીબોનાં અનાજનાં ડિજિટલ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:21 pm IST)