Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

થરાદમાં કડકડતી ઠંડીમાં ખેડૂતોની આખી રાત બેઠા : ભૂખ હડતાલ યથાવત :

પાણી નહિ મળે ત્યાં સુધી નહીં ઉઠવાનો નીર્ધાર : સામુહિક આત્મવિલોપનની ચીમકી બાદ તંત્ર તરફ મીટ

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી વારંવાર રજુઆત કરવા છતાં પણ નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપી સાંજથી નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભુખ હડતાળના આંદોલન પર ઉતરી ગયા હતા. ખેડુતોએ કોઈપણ ભોગે પાણી વિના નહિ ઉઠવાનો મક્કમ નિર્ધાર કર્યો હોઇ રાતવાસો કરવા ગાદલાંની પણ વ્યવસ્થા કરી હતી. જોકે ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે ખેડુતોએ નર્મદા વિભાગના બ્લોકમાં ઠંડીથી બચવા આશિયાનો મેળવવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ નર્મદા વિભાગના અધિકારીઓના ઇશારે ખેડુતોને ધક્કા આપીને બહાર કર્યા હતા. આથી ખેડુતોને ઉપર આભ અને નીચે ધરતીના સહારે આખી રાત્રી વિતાવવી પડી હતી.

 ઠંડી તથા ઉપવાસને કારણે રવિવારની સવારે રામશીભાઈ દેવસીભાઈ પટેલ (ઉ.વ.૬૦ ) ( રહે.ચોથરનેસડા તા.વાવ )નામના ખેડુતની તબિયત લથડવા પામી હતી. આથી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પાણી નહીં મળે તો દમ તોડવાના મજબુત મનોબળ સાથે ઉપવાસ પર બેઠેલા ૨૦ જેટલા ખેડુતોની સાથે રાતે ત્રીસ ઉપરાંત રવિવારે કારેલી, બાલુંત્રી, ચંદનગઢ અને ગામડી એમ વધુ ચાર ગામોના ખેડુતો પણ ઉમેરાયા હતા. રવિવારની સાંજની સુમારે ખેડુતોના ઉગ્ર બની રહેલા આંદોલનથી ફફડીને દિવસભર ન ફરકેલા નર્મદા વિભાગના અધિકારીઓએ બેઠકનો દોર હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

(1:38 pm IST)