Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુરૂ-શુક્ર કયાંક કયાંક ઝાકળવર્ષાઃ શનિવારથી ઠંડીનો રાઉન્ડ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સરકયુલેશન રાજસ્થાન સુધી આવ છે જેનો ટ્રફ કચ્છ, ઉત્તર ગુજરાત સુધી લંબાય છે : તા.૧૨-૧૩ના સૌરાષ્ટ્રમાં એકલ-દોકલ વિસ્તારમાં છાંટાછુટી, જયારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વધુ શકયતા : તા.૧૪ થી ઠંડીમાં ધીમે ધીમે વધારો થતો જશે, દિવસનું તાપમાન પણ ઘટવા લાગશે

રાજકોટ, તા. ૯ : ચોમાસાની જેમ ઠંડી પણ આ વખતે મોડી શરૂ થઈ છે તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસરરૂપે ફરી કમોસમી વરસાદની શકયતા સેવાઇ રહી છે. ખાનગી વેધર સંસ્થાએ જણાવ્યુ છે કે આ સમગ્ર ડિસેમ્બર મહિનામાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. દરમિયાન વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્રમાં એકલ-દોકલ વિસ્તારમાં તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વધુ શકયતા જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ શનિવારથી ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જશે.

હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સરકયુલેશન રાજસ્થાન સુધી આવે છે અને તેનો ટ્રફ કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી લંબાય છે. જેની અસર લાગુ ઉત્તર ગુજરાત અને લાગુ બનારસકાંઠામાં જોવા મળશે. જેની અસરરૂપે તા.૧૨-૧૩ (ગુરૂ-શુક્ર) સૌરાષ્ટ્રના એકલ-દોકલ વિસ્તારોમાં છાંટાછુટીની સંભાવના છે. જયારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ સંભાવના છે. તા.૧૨-૧૩ના છુટાછવાયા વિસ્તારમાં ઝાકળવર્ષા પણ જોવા મળશે.

ત્યારબાદ એટલે કે તા.૧૪મીથી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જશે. દિવસના તાપમાનમાં પણ ઘટાડો થતો જશે.  દરમિયાન રાજકોટ શહેરમાં પણ ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. આજે પણ શહેરમાં ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ખાસ કરીને વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવી પૂરેપૂરી શકયતા છે.

(11:42 am IST)